IPL-2024વિશેષસ્પોર્ટસ

IPL 2024 Prize Money – જાણો આજે કોણ કોણ થશે માલામાલ?

Text To Speech

26 મે, ચેન્નાઈ: આજે IPL 2024ની ફાઈનલ અહીં ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ બંનેમાંથી જે કોઈ પણ ટીમ જીતશે તેને IPLની ઝળહળતી ટ્રોફી તો મળશે જ પરંતુ તેની સાથે એક મોટી પ્રાઈઝ મની પણ મળશે. આ ઉપરાંત આ મેચ જે ટીમ હારશે તેને પણ ખાસ્સી મોટી રકમ મળશે. આમ આ મેચમાં હારજીતનો ફેંસલો ગમે તે તરફ જશે પરંતુ બંને ટીમો માલામાલ તો જરૂર થશે.

Tata IPLની આ 17મી સિઝન છે. BCCIએ આ સિઝનની પ્રાઈઝ મની માટે કુલ 46.5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા મળશે જ્યારે રનર અપ ટીમને 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. આટલું જ નહીં પરંતુ ત્રીજા અને ચોથા સ્થાન ઉપર રહેવાવાળી ટીમોને પણ સારી એવી રકમ મળશે.

ત્રીજા સ્થાન પર રહેલી ટીમને 7 કરોડ ભારતીય રૂપિયા અને ચોથા સ્થાન પર રહેનારી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. આ વર્ષે IPLમાં ત્રીજા અને ચોથા સ્થાને અનુક્રમે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો રહી છે.

ટીમોને તો મોટી રકમ મળશે પરંતુ IPL દરમ્યાન ખેલાડીઓ વચ્ચે પણ અનેક સ્પર્ધા ચાલી રહી હતી. આમાંથી મુખ્ય સ્પર્ધા હતી ઓરેન્જ કેપ અને પર્પલ કેપની સ્પર્ધા. ઓરેન્જ કેપ સમગ્ર સિઝનમાં સહુથી વધુ રન્સ બનાવનાર કેપ્ટનને આપવામાં આવે છે જ્યારે પર્પલ કેપ આખી સિઝનમાં સહુથી વધુ વિકેટ લેનારા બોલરને મળે છે.

આ વર્ષે ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો ફેંસલો પ્લેઓફ્સ શરુ થાય તે પહેલા જ થઇ ગયો છે. 14 મેચોમાં 741 રન બનાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલીને ઓરેન્જ કેપ સાથે 15 લાખ રૂપિયાનું ઇનામ મળશે. તો ટુર્નામેન્ટમાં ખાસ સારો દેખાવ ન કરી શકેલી પંજાબ કિંગ્સના બોલર હર્ષલ પટેલે સમગ્ર સિઝનમાં 24 વિકેટો લીધી છે અને તેને પર્પલ કેપનો હક્કદાર ગણવામાં આવ્યો છે. હર્ષલ પટેલને આ સિદ્ધિ માટે પણ 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ ઉપરાંત ઈમર્જીંગ પ્લેયર્સ ઓફ ધ સિઝન અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનના એવોર્ડ્સ પણ છે. આ બંને એવોર્ડ્સ માટે અનુક્રમે 20 લાખ અને 15 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ બંને એવોર્ડ્સના વિજેતા ખેલાડીઓની જાહેરાત આજે મેચ પત્યા બાદ કરવામાં આવશે.

આજે ફક્ત જીતનારી અને હારનારી ટીમો જ નહીં પરંતુ ખેલાડીઓ પણ માલામાલ થઇ જવાનાં છે.

Back to top button