26 મે, ચેન્નાઈ: આજે IPL 2024ની ફાઈનલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરબાદ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ અગાઉ ગઈકાલે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ દરમ્યાન ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અંગેના એક પ્રશ્નના જવાબમાં KKRનો કેપ્ટન શ્રેયસ ઐયર ભડક્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં ભારતની જાણીતી ન્યૂઝ સંસ્થાના પત્રકારે શ્રેયસને પ્રશ્ન પૂછ્યો હતો કે, શું તેને નથી લાગતું કે તેની ટીમને જે સફળતા મળી છે તેનો શ્રેય મેન્ટર (ગૌતમ ગંભીર) લઇ જાય છે અને તેને (શ્રેયસ ઐયરને) આ મામલે ખાસ કોઈ મહત્વ નથી મળતું?
આ પ્રશ્ન સાંભળતાં જ શ્રેયસ ઐયર ભડક્યો હતો અને તેણે જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આ બધું તમારા દ્વારા જ (મીડિયા) ઉભું કરવામાં આવ્યું છે. મેં એક કેપ્ટન તરીકે શું કર્યું છે અને શું નહીં એ પણ તમે જ નક્કી કરો.’
ત્યારબાદ ઐયરે ગૌતમ ગંભીર વિશે કહેતાં કહ્યું હતું કે, ‘જો હું ગૌતમભાઈ વિશે કહું તો તેમની પાસે ક્રિકેટનું અખૂટ જ્ઞાન છે. તેમણે આ અગાઉ KKR માટે બે ટ્રોફી જીતી પણ છે અને તેઓ જે કોઇપણ રણનીતિ નક્કી કરે છે તે અમને મેદાન ઉપર અમારી વિરોધી ટીમ ઉપર અમલ કરવામાં ઘણી મદદ કરે છે.’
ઐયરે આશા કરી હતી કે આજની SRH વિરુદ્ધની ફાઈનલમાં પણ તેને ડગઆઉટમાંથી કાયમની જેમ યોગ્ય સલાહ મળતી રહેશે. તેણે કહ્યું હતું કે, ‘મને આશા છે કે અમને આ જ રીતે ફાઈનલમાં પણ તેમના (ગૌતમ ગંભીરના) જ્ઞાનની મદદ મળતી રહેશે.
શ્રેયસ ઐયર માટે આ વર્ષ રસપ્રદ રહ્યું છે. અગાઉ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં ખાસ રસ નહોતો દેખાડ્યો અને આથી BCCIએ તેને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાંથી દૂર કરી દીધો હતો. પરંતુ ત્યારબાદ ઐયરે મુંબઈ તરફથી રણજી ટ્રોફી ફાઈનલ રમતાં વિદર્ભ સામે બીજી ઇનિંગમાં 95 રન બનાવ્યા હતા.
ઐયરની આ વર્ષની IPL સિઝન પણ મિશ્ર રહી હતી અને કદાચ એટલે જ તેને વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર T20 World Cupની ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી.
ઐયરે આ અંગે કહ્યું હતું કે આ બાબતે મારો સંઘર્ષ મારી જાત સાથે જ છે.