T20 World Cup માટે રવાના થયેલી ટીમમાંથી હાર્દિક ગાયબ; ફેન્સ આશ્ચર્યમાં
26 મે, મુંબઈ: હાર્દિક પંડ્યા આજકાલ ખોટા કારણોસર ચર્ચામાં છે અને આ ચર્ચાની આગમાં ઘી હોમાય એવી એક ઘટના ગઈકાલે બની છે. ગઈકાલે આવનારા T20 World Cup માટે ટીમ ઇન્ડિયાનો પહેલો બેચ અમેરિકા જવા માટે રવાના થયો હતો, પરંતુ આ બેચમાંથી હાર્દિક ગાયબ હતો.
BCCIએ પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટીમ ઇન્ડિયાના અમેરિકા રવાના થતા ફોટાઓ મૂક્યા છે પરંતુ આ ફોટાઓમાંથી હાર્દિક ગાયબ દેખાય છે. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા ડિવોર્સ લઇ રહ્યા છે તેવી અફવાઓએ જ્યારે જોર પકડ્યું છે ત્યારે હાર્દિકનું આ રીતે અમેરિકા ન જવું તે આ અફવાઓને વધુ વેગ આપે છે તે સ્વાભાવિક છે.
BCCIએ ઘણા સમય અગાઉ નિર્ણય લીધો હતો કે IPL 2024 ચાલી રહી હોવાથી ટીમ ઇન્ડિયા બે બેચમાં અમેરિકા રવાના થશે. જે ભારતીય ખેલાડીઓ IPLના પ્લેઓફ્સમાં નથી રમવાના તેમણે ગઈકાલે મુંબઈથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. આ ખેલાડીઓમાં કેપ્ટન રોહિત શર્મા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને ઋષભ પંત સામેલ હતા.
BCCIએ રિલીઝ કરેલા અન્ય ફોટોગ્રાફ્સમાં સૂર્ય કુમાર યાદવ, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ અને મોહમ્મદ સિરાજ પણ જોવા મળે છે પરંતુ હાર્દિક પંડ્યાનો કોઈજ અતોપતો નથી. આથી એવું લાગી રહ્યું છે કે કદાચ આવનારા અઠવાડિયામાં જ્યારે ટીમ ઈન્ડિયાનો બીજો બેચ અમેરિકા માટે રવાના થશે હાર્દિક પંડ્યા તેની સાથે જશે.
The wait is over.
We are back!
Let’s show your support for #TeamIndia 🇮🇳 pic.twitter.com/yc69JiclP8
— BCCI (@BCCI) May 25, 2024
હાલમાં હાર્દિક પંડ્યાનો ખરાબ કાળ ચાલી રહ્યો છે. હાર્દિકને રોહિત શર્માને સ્થાને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હાર્દિકને મુંબઈના ફેન્સે સમર્થન તો નહોતું જ આપ્યું પરંતુ તેને ફિલ્ડ પર સતત અપમાનિત પણ કર્યો હતો.
આટલું ઓછું હોય તેમ મુંબઈ ઇન્ડિયન્સ આ વર્ષની IPLમાં છેક છેલ્લે સ્થાને રહી હતી જેણે હાર્દિકની કપ્તાની પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હજી તો આ તમામ બાબતો વિશે ચર્ચા ચાલી જ રહી હતી એવામાં ગઈકાલે હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટાનકોવિચ વચ્ચે ડિવોર્સ થવાના છે તેવા સમાચાર સામે આવી ગયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક નતાશાને છૂટાછેડા બદલ પોતાની તમામ સંપત્તિના 70% આપી દેવા માટે તૈયાર થયો છે. જ્યારે હાર્દિક પંડ્યા આટલા બધા તણાવમાંથી પસાર થઇ રહ્યો હોય ત્યારે તે આવનારા વર્લ્ડ કપમાં સારો દેખાવ કરી શકશે કે કેમ તેની ચિંતા પણ ક્રિકેટ ફેન્સ કરી રહ્યા છે.