હારીજ: 60,000 રૂપિયાની લાંચની માંગણી કરતો સર્કલ ઓફિસર ACB ના હાથે ઝડપાયો
હારીજ 25 મે 2024: પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા ગયેલા એક નાગરિક પાસેથી હારીજ તાલુકાના સર્કલ ઓફિસરે 60 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે બાબતની જાણ જાગૃત નાગરિક દ્વારા લાંચ રિશ્વત વિરોધી બ્યુરોને કરી ACB દ્વારા સર્કલ ઓફિસર વિરુદ્ધ છટકું ગોઠવી તેમને લાંચ લેતા ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સર્કલ ઓફિસરને પકડવા છટકાનું આયોજન કરાયું
હારીજ તાલુકામાં પોતાની જમીન વેચાણ કરી હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા જમીનની વેચાણ નોંધ કરાવવા સર્કલ ઓફિસર દ્વારા 60 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી છે તેવી ફરિયાદ હારીજ તાલુકાના એસીબી વિભાગમાં કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવા માટે છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સર્કલ ઓફિસર લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા.
સર્કલ ઓફિસર રમેશ અખાણી લાંચ લેતા ઝડપાયા
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હારીજ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રમેશ દલપતભાઈ અખાણી અને વિપુલ પ્રફુલભાઈ પરમારે ફરિયાદીના પિતરાઈ ભાઈ પાસેથી જમીન વેચાણ કરતા જમીન નોંધ કરાવવા બાબતે 60 હજાર જેટલી લાંચની રકમની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદી દ્વારા આ બાબતની જાણ એસીબીને કરી હતી. જે બાદ એસીબી દ્વારા છટકાનું આયોજન કર્યા બાદ લાંચની રકમ લેવા માટે સર્કલ ઓફિસર રમેશભાઈ અખાણી ફરીયાદીની દુકાનમાં જઈને વેચાણ નોંધ કરી આપવા માટે હેતુલક્ષી વાત કરીને એડવાન્સ 30 હજાર રૂપિયા જેટલી રકમ સ્વીકારી લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.