બનાસકાંઠામાં લમ્પી વાઈરસનો કહેર : 100 કેસ મળ્યાં
ગુજરાતના રાજ્યના હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં પશુઓમાં આ લમ્પી રોગના લક્ષણો જોવા મળ્યાં છે. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ ધાનેરા, થરાદ અને વાવ તાલુકાના ગામડાઓમાં 75 અને દિયોદર તાલુકામાં 25 પશુઓમાં મળી 100 પશુઓમાં લમ્પી રોગના લક્ષણો જોવા મળતાં પશુપાલકોમાં ખળભળાટ મચી ગયો છે. આ રોગ બાબતે બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને જિલ્લામાં પશુઓની સારવારની તજવીજ હાથ ધરાઇ છે.
બનાસકાંઠામાં લમ્પી વાયરસની ગતિ બેકાબૂ
ગુજરાતમાં હાલમાં પશુઓમાં લમ્પી રોગના લક્ષણો જોવા મળતા ભારે ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ વધારે જોવા મળ્યો છે. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ ધાનેરા, થરાદ, વાવ તાલુકાના ગામોમાં 75 અને દિયોદર તાલુકામા 25 મળીને 100 જેટલા પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે. બનાસકાંઠામાં 30 લાખ જેટલા પશુઓ છે અને આ રોગને લઇને પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અને લોકો પશુચિકિત્સકનો પણ સંપર્ક કરવા લાગ્યા છે.
પશુપાલકોને સાવચેતીના પગલાં ભરવા સૂચનો
આ અંગે બનાસકાંઠા નાયબ પશુપાલન નિયામક ડો.જે.ટી.મજેઠિયાએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જિલ્લામાં અમારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવતા ત્રણ તાલુકામાં 75 કેસ જોવા મળ્યા છે. જેમાં ધાનેરાના મગરાવા ગામે 31, જાડી ગામે 6, લવારા ગામે 3 જ્યારે થરાદના નાગલા ગૌશાળા ખાતે 10 કેશ અને વાવ તાલુકાના ખીમાણાપાદર 3, અસારા 20, ભાટવરવાસ 2 અને વાવ ગામમાં 1 આમ કુલ મળીને 75 કેસ જોવા મળ્યા છે. અમારી ટીમે ધાનેરા તાલુકાના મગરાવા ગામની આજુબાજુના 6 ગામોનું પણ સર્વે કરાવેલ છે. જેથી આ કેસ રાજસ્થાનના સાંચોર તાલુકાના ગામડાઓમાંથી પશુ તેની સાથે લાવેલ છે. પશુપાલકોને સાવચેતીના પગલાં લેવા માટે પણ ખાસ અનુરોધ છે અને અમારી દરેક તાલુકાની ટીમો પણ આ સર્વેની કામગીરીમાં લાગેલ છે.’ રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે ગાંધીનગર પશુપાલન વિભાગના અધિકારીઓએ જણાવતાં કહ્યું કે, ‘આ રોગ નાથવા રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે તકેદારી રાખવાની જરૂર છે. હાલમાં રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 લાખ જેટલા પશુઓનું રસીકરણ કરાયું માટે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.’
દિયોદરમાં પણ કેસ મળ્યા
દિયોદર તાલુકામાં પણ શુક્રવારે પશુઓમાં લમ્પી ના કેસ મળ્યા છે. જેમાં કુંવતા -3, ચગવાડા-7, ડુચકવાડા-2, રૈયા-2 સહિત અન્ય પશુઓમાં મળી 25 કેસ સામે આવ્યા છે.
શું છે લમ્પી વાયરસના લક્ષણો ?
લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોંઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. પરંતુ આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.
સારવાર મેળવવા પશુપાલકોએ શું કરવું ?
પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે પશુપાલન અધિકારીએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, ‘જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નંબર 1962 પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો. જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય.’