અમદાવાદ: GLS યુનિવર્સિટીમાં ફી વધારો પાછો ખેંચવા માટે NSUI એ ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું
અમદાવાદ 25 મે 2024: અમદાવાદ શહેરનાં લો ગાર્ડન ખાતે આવેલી GLS યુનિવર્સિટીમાં થતા અભ્યાસક્રમોમાં ફી વધારા મુદ્દે અમદાવાદ NSUI ના વિદ્યાર્થી નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. અને ત્રણ દિવસ સુધીમાં ફી વધારો પાછો ખેંચવા માટેની રજૂઆત કરી હતી અન્યથા ત્રણ દિવસ બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવીને ઉગ્ર આંદોલન કરશે તેવી મેનેજમેન્ટને ચીમકી આપી હતી.
1 વર્ષની 1 લાખ ફી કોઈ યુનિવર્સિટીમાં નથી: NSUI
NSUI પ્રમુખ તિલકરામ તિવારીએ HD ન્યુઝની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે GLS યુનિવર્સિટીમાં BBA, BCA અને અન્ય કોર્સોના વિધાર્થીઓ જોડેથી વર્ષે 1 લાખ જેટલી ફી વસૂલ કરવામાં આવે છે. તો આટલા તોતિંગ વધારા સામે એવી તો કેવી સુવિધા વિધાર્થીઓને આપવામાં આવે છે કે આટલો વધારો ફીમાં દર વર્ષે કરવામાં આવે, બીજું અમદાવાદ શહેરની બીજા યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સના માત્ર 35 હજાર ફી છે. તો આ યુનિવર્સિટીમાં કયા કારણોસર આટલી ફી લેવામાં આવે છે.
ફ્રી વધારા મુદ્દે યોગ્ય જવાબ આપશું: GLS યુનિવર્સિટી
NSUI ના કાર્યકર્તાઓ દ્વારા આ તમામ ફી ત્રણ દિવસમાં પાછી લેવા માટેની ઉગ્ર રજૂઆત કરાઈ છે. અને લેખિતમાં જવાબ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં GLS યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો હતો. વિદ્યાર્થીઓને બાઉન્સરોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવાથી GLS યુનિવર્સિટીના મેનેજમેન્ટ સુધી આવેદન આપવા માટે પહોંચી ગયા હતા. અને પ્રાંગણમાં બેસીને ઝંડા બેનરો સાથે નારેબાજી કરી હતી. અને મેનેજમેન્ટને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલીક અસરથી ફી ઓછી કરવામાં નહી આવે તો યુનિવર્સિટી સામે શહીદ ભગતસિંહજી અને શહીદ ચંદ્રશેખર આઝાદ જીના માર્ગે ચાલી ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે જોકે GLS યુનિવર્સિટીનાં મેનેજમેન્ટ દ્વારા આવેદનપત્ર સ્વીકારાયું હતું અને યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી મૌખિક રીતે ખાતરી આપી હતી.