સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા મહિલાએ જુઓ શું કર્યું, જવું પડ્યું જેલમાં..!
રાજકોટ શહેરમાં સોશ્યલ મીડિયા પર ચમકવા માટે એક બાદ એક વાયરલ થઇ રહેલા વીડિયો અંગે પોલીસ દ્વારા ધડાધડ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે સોશ્યલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા કાર પાસે ઉભી રહી જાહેરમાં ફાયરીંગ કરતી દેખાતી હતી ત્યારે આ વાયરલ વીડિયો અંગે તપાસ કરાતા તે રાજકોટના નવા 150 ફુટ રીંગ રોડ પર બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ શહેરમાં ગઇકાલે એક મહિલા સરાજાહેર પોતાની પાસે રહેલા હથીયારમાંથી હવામાં ફાયરીંગ કરતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં દેખાતી મહિલા તૃપ્તિબેન દીલીપભાઇ સાવલીયા રૈયા રોડ પરના આલાપ ગ્રીનસીટીની બાજુમાં કેપીટલ ગોલ્ડ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.301માં રહે છે. જેના આધારે તેની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, બે અઢી માસ પહેલા નવા 150 ફુટ રીંગ રોડથી વેજા ગામ વાજડી તરફ બનતા નવા હાઇરાઇસ બિલ્ડીંગ પાસેના રોડ પર આ વીડિયો ઉતાર્યો હતો. જેમાં તેણે પતિ દિલીપ તરશીભાઇ સાવલીયાની લાયસન્સ વાળી રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કર્યું હતું અને તેનો વીડિયો તેના પતિએ જ ઉતાર્યો હતો.
પોલીસે કરી ધરપકડ
આ માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચે બીજાઓની જીંદગી અને સલામતી ભયમાં મુકાય તેવી રીતે બેદરકારીથી તેમજ પોતાની ધાક જમાવવા માટે આ કૃત્ય કરાયાની કલમો ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ ગાંધીગ્રામ-2 પોલીસમાં ગુનો નોંધી આરોપી તૃપ્તિ (ઉ.28) અને તેના પતિ દિલીપ (ઉ.39)ની અટકાયત કરી હતી. ક્રાઇમ બ્રાંચે વીડિયોમાં દેખાતી દિલીપની પરવાનાવાળી રૂા.1.50 લાખી કિંમતની રીવોલ્વર પણ કબ્જે કરી હતી. ક્રાઇમ બાંચના સુત્રોએ જણાવ્યું કે પ્રાથમિક પુછપરછમાં તૃપ્તિબેને સોશ્યલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ કૃત્ય કર્યાની માહિતી આપી છે.