કાન્સમાં સન્માન મેળવનાર પાયલ કાપડિયા કોણ છે? ફિલ્મનું સ્ક્રીનિંગ પુરું થયા પછી વાગતી રહી તાળીઓ!
- ભારતની દિગ્દર્શક પાયલ કાપડિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાયલ કાપડિયાની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઇટ’ નું પ્રીમિયર રજુ કરવામાં આવ્યું હતું
25 મે, નવી દિલ્હીઃ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર દુનિયાભરની સેલિબ્રિટીઓએ પોતાનો જાદુ ચલાવ્યો છે. આ દરમિયાન, ભારતના દિગ્દર્શક પાયલ કાપડિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાયલ કાપડિયાની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઇટ‘ નું પ્રીમિયર રજુ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે ઈતિહાસ રચી દીધો છે. લોકો આ ફિલ્મના દિવાના બની ગયા હતા. ફિલ્મને કાન્સમાં 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જાણો કોણ છે આવી દિગ્દર્શક પાયલ કાપડિયા.
પાયલ કાપડિયા પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે, જેની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઇટ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. પાયલ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પાયલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. તેણે સોફિયા કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ પાયલ કાપડિયાએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાંથી દિગ્દર્શનના પાઠ શીખ્યા.
View this post on Instagram
શું છે ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ની કહાની?
‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ એક ફીચર ફિલ્મ છે. તેની કહાની બે નર્સ (પ્રભા અને અનુ) પર આધારિત છે. આ બંને સાથે રહે છે. પ્રભાના લગ્ન એરેન્જ્ડ મેરેજ છે અને તેનો પતિ વિદેશમાં રહે છે. બીજી તરફ અનુના લગ્ન નથી થયા, પરંતુ તેને એક છોકરા સાથે પ્રેમ છે. પ્રભા અને અનુ પોતાના બે મિત્રો સાથે એક ટ્રિપ પર જાય છે, જ્યાં તે ખુદને એક્સ્પ્લોર કરે છે અને સ્વતંત્રતાના માપદંડોને સમજે છે. આ ફિલ્મમાં કની કુશ્રૃતિ, દિવ્યા પ્રભા, ઋધુ હરુણ, છાયા કદમ અને અજીસ નેદુમંગડ જેવા સ્ટાર્સ છે.
2021માં શોર્ટ ફિલ્મને કાન્સમાં મળ્યો હતો એવોર્ડ
પાયલ કાપડિયાએ વર્ષ 2014થી લઈને 2024 સુધી ચાર શોર્ટ ફિલ્મ બનાવી હતી. તેણે ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ નામની શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 2021માં ધ ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેની શોર્ટ ફિલ્મોમાં ‘એન્ડ વોટ એજ ધ સમર સેઈંગ’, ‘ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોનસુન’, ‘આફ્ટરનુન ક્લાઉડ્સ’ અને ‘વોટરમેલન, ફિશ એન્ડ હાફ ધ ઘોસ્ટ’ સામેલ છે.
આ પણ વાંચોઃ 27 વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળશે કાજોલ-પ્રભુદેવાની જોડી, બોલિવૂડમાં કરશે કામ