25 મે, બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ચેલેન્જ આ વર્ષે પણ IPL ટ્રોફી જીત્યા વગર જ પૂર્ણ થઇ ગઈ છે. જોકે આ વર્ષે જે રીતે RCBએ સળંગ 6 મેચો જીતીને પ્લેઓફ્સમાં પ્રવેશ મેળવ્યો તેને ક્રિકેટપ્રેમીઓ કાયમ યાદ રાખશે. પરંતુ જે મેગા ઓક્શનની વાત કરીએ તો એવા સમાચાર મળી રહ્યા છે કે RCB આવતા વર્ષ માટે મેક્સવેલ, ગ્રીન અને દયાલનું પત્તું જરૂર કાપી નાખશે.
આ ત્રણ વિશે વાત કરીએ તે પહેલાં જાણીએ કે RCB આવનારા મેગા ઓક્શનમાં કયા કયા ત્રણ ખેલાડીઓને રીટેઇન કરી શકે છે. આમ જોવા જઈએ તો આ ત્રણ નામ કોઇપણ ક્રિકેટ પ્રેમી સરળતાથી વિચારી જ શકે છે.
જે ત્રણ ખેલાડીઓને મેગા ઓક્શન અગાઉ રીટેઇન કરશે તેના નામ છે વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ફાફ દુ પ્લેસી. વિરાટ કોહલી આ વર્ષે મોટેભાગે ઓરેન્જ કેપ જીતી લેશે, એટલે તેના વિરાટ ફોર્મને લીધે તેને ફરીથી ટીમમાં સ્થાન આપવામાં આવે તે સ્વાભાવિક છે.
મોહમ્મદ સિરાજે આ સિઝનની શરૂઆત તો સારી નહોતી કરી પરંતુ જે 6 મેચો RCBએ સળંગ જીતી લીધી હતી એ તમામ મેચોમાં સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. એવું પણ કહી શકાય કે ટીમની એ સળંગ જીત પાછળના અનેક કારણોમાં મોહમ્મદ સિરાજની સુધરેલી બોલિંગ પણ જવાબદાર હતી.
ફાફ દુ પ્લેસી એક સરળ અને યોગ્ય કપ્તાન છે. આથી આ સિઝનમાં ફાફનું બેટિંગનું પ્રદર્શન ભલે તેની, ટીમના માલિકોની અને ટીમના સમર્થકોની અપેક્ષા અનુસાર ન હતું પરંતુ તેની કપ્તાનીને કારણે તેને પણ રીટેઇન કરી શકાય છે.
જ્યાં સુધી મેક્સવેલ, ગ્રીન અને દયાલનું પત્તું કાપવાની વાત ચાલે છે તો ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન આ સિઝનમાં અત્યંત કંગાળ રહ્યું હતું એટલે તેને RCB રેટેઈન કરે તેનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કેમરન ગ્રીનને મુંબઈ ઇન્ડિયન્સમાંથી બહુ મોટી રકમ ચૂકવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું પરફોર્મન્સ સાતત્યપૂર્ણ રહ્યું નથી.
યશ દયાલને જ્યારે ઓક્શનમાં લેવામાં આવ્યો ત્યારે લોકોએ RCBની મજાક ઉડાડી હતી અને એ મજાકને જાણે કે તે સાચી પાડતો હોય એવો તેનો દેખાવ આ સિઝનમાં મોટેભાગે રહ્યો હતો. ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેણે છેલ્લી ઓવર નાખીને ટીમને જીતાડી હતી. આથી યશ દયાલ પણ આવતી સિઝનમાં RCB માટે નહીં રમે તે નક્કી જ છે.