IPL-2024વિશેષસ્પોર્ટસ

કુદરતી મદદની રાહ જોઈ રહેલા રાજસ્થાનને હરાવીને SRH ફાઈનલમાં

Text To Speech

25 મે, ચેન્નાઈ: IPL 2024ની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સને આસાનીથી હરાવીને SRH ફાઈનલમાં પહોંચી ગયું છે. જોકે એક સમયે સન રાઈઝર્સ હૈદરાબાદ માટે આ જીત સરળ નહોતી લાગતી, ખાસકરીને જ્યારે તેઓ બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ રાજ્સ્થાન રોયલ્સ એક કુદરતી ઘટનાની રાહ જોવામાં પોતાનું કુદરતી ક્રિકેટ રમી ન શક્યા અને મેચ હારી ગયા હતા.

બીજી ઈનિંગમાં ડ્યુ પડશે તેવી આશા સાથે રાજસ્થાને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈમાં આ સમયે ખૂબ ભેજવાળું વાતાવરણ હોય છે આથી ફ્લડલાઇટ્સ નીચે સાંજ પછી ડ્યુ પડતી હોય છે. આ ડ્યુને કારણે બીજી બેટિંગ કરનાર ટીમ માટે બેટિંગ કરવી સરળ બની જતી હોય છે. રાજસ્થાનના બોલર્સે હૈદરાબાદના બેટ્સમેનોને બાંધી રાખ્યા એટલું જ નહીં પરંતુ તેમને સમયાંતરે આઉટ પણ કરતા રહ્યા.

આ કારણસર SRHના બેટ્સમેનો જે પોતાની આક્રમક શૈલીને કારણે આ સિઝનમાં પંકાઈ ગયા હતા તેઓ ખાસ અસર છોડી શક્યા નહી. ફક્ત ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી અને હેનરિક ક્લાસન જ ટીમને પોતાની બેટિંગ દ્વારા આગળ વધારી રહ્યા હતા. ક્લાસન અને ત્રિપાઠીએ ઝડપી સ્કોર કર્યા પરંતુ તેઓ પણ ધીમી પીચને કારણે ટીમને 200 પાર લઇ જઈ શક્યા નહીં.

રાજસ્થાન રોયલ્સ માટે 176 રન્સનો ટાર્ગેટ પાર કરવો અઘરો ન હતો. રાજસ્થાનની બેટિંગે આ જ સિઝનમાં ઘણા ચમત્કાર કરી દેખાડયા હતા. પરંતુ અહીં તકલીફ એ હતી કે તેમને જે ડ્યુની આશા હતી જેને કારણે રમવા માટે પીચ સરળ થઇ જાય તે ડ્યુ છેક સુધી આવી જ નહીં. તેને કારણે હૈદરાબાદના બોલર્સની સ્લો બોલિંગ અને સ્પિનર્સના બોલ જે વધુ પડતા સ્પિન થઇ રહ્યા હતા તેનો તેમની પાસે કોઈજ જવાબ ન હતો.

ઉપરાંત રિયાન પરાગ જેણે આ સિઝનમાં ગત સિઝન્સના મુકાબલે ખૂબ મેચ્યોરીટીથી બેટિંગ કરી હતી તે પોતાની જૂની બેટિંગ સ્ટાઈલ યાદ અપાવતો એક બિનજવાબદાર શોટ મારીને આઉટ થઇ ગયો હતો. શરૂઆતમાં યશસ્વી જયસ્વાલ અને મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલે થોડીઘણી લડત આપી નહીં તો રાજસ્થાનને એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો હોત.

પીચના સ્વભાવ પ્રમાણે બોલિંગ નાખવાને કારણે SRH ફાઈનલમાં પહોંચી ગઈ હતી જ્યાં રવિવારે સાંજે તેનો મુકાબલો KKR સામે થશે. પોઈન્ટ્સ ટેબલમાં આ બંને ટીમો જ પહેલા બે નંબરે રહી હતી એટલે પહેલા ક્વોલિફાયરમાં આ બંને ટીમોનો જ સામનો થયો હતો.

Back to top button