ભૈયાજી રિવ્યુ: એકલા મનોજ બાજપાઈથી ફિલ્મ ચાલશે?
24 મે, અમદાવાદ: મનોજ બાજપાઈની ફિલ્મ ભૈયાજી આવી ગઈ છે. આ ફિલ્મનું ટીઝર અને પછી ટ્રેલર એટલું તો અદ્ભુત હતું કે ફિલ્મ જોવાની તાલાવેલી તમામને હતી. તો શું ફિલ્મ તેના ટીઝર અને ટ્રેલર દ્વારા જે હાઈપ ઉભી કરી હતી તેવી છે ખરી? ચાલો જાણીએ આ રિવ્યુમાં.
મુખ્ય કલાકારો: મનોજ બાજપાઈ, વિપિન શર્મા, જતીન ગોસ્વામી, ઝોયા હુસૈન અને સુવિંદર વિકી
ડાયરેક્ટર: અપૂર્વ સિંઘ કારકી
રન ટાઈમ: 135 મિનીટ્સ
ભૈયાજીની કથા મનોજ બાજપાઈની આસપાસ ફરે છે. તેના ભાઈનું ખૂન દિલ્હીના કોઈ મોટા પરિવારના સભ્યે એક નાનકડી તકરાર બાદ કર્યું હોય છે. ભૈયાજીનો ઈતિહાસ આમ તો ક્રિમીનલ છે પરંતુ તેના સ્વર્ગીય પિતાને વચન આપ્યું હતું એટલે તેણે વર્ષો પહેલાં જ આ દુનિયા છોડી દીધી છે. પણ સગા ભાઈનું ખૂન થતાં તેની માતા તેને યાદ અપાવે છે કે હવે સમય આવી ગયો છે આ વચન તોડી નાખવાનો.
આથી ભૈયાજી એના આખા ગામ સાથે ઉપડે છે દિલ્હી પોતાના ભાઈનો બદલો લેવા માટે. પરંતુ બાદમાં તે ગામવાસીઓને પરત મોકલી આપે છે અને પોતે જ પોતાના બે સાથીદારો સાથે બદલાનું કામ પૂરું કરવાનું નક્કી કરે છે. પણ સામેવાળો દુશ્મન પણ સાવ નબળો નથી. તેની પહોંચ રાજકારણમાં દૂર દૂર સુધી છે. તે ભૈયાજીને બરોબર હંફાવે છે.
આટલું વાંચતા કોઈને પણ એવું લાગે કે આ પ્રકારની સ્ટોરી હિન્દી ફિલ્મોમાં વર્ષોથી ચાલી આવે છે. જો ઉપરના બે ફકરા વાંચીને તમને પણ આવું લાગતું હોય તો તમે ખોટા નથી. એક જ પ્રકારની સ્ટોરીને વારંવાર કહેવાથી તેમાં નાવીન્ય તો નથી જ રહેતું પરંતુ તે બોર પણ કરે છે જો તેમાં ટ્રીટમેન્ટનો અભાવ હોય તો.
અહીં પણ એવું જ છે. વર્ષો જૂની સ્ટોરીમાં ફક્ત મનોજ બાજપાઈનો સ્વેગ ઉમેરી દેવાથી ફિલ્મ તરી જશે એવો કોઈ વિચાર આ ફિલ્મના મેકર્સને હશે તો તે ખોટો છે. શરૂઆતમાં બાજપાઈનો એ સ્વેગ જોવો ગમે છે પરંતુ બાદમાં તેનો પણ ઓવરડોઝ થવા લાગે છે.
ટ્રેલરમાં જે બ્રીજ ઉપરની ફાઈટ દેખાડવામાં આવી છે તે ફિલ્મ જોયા અગાઉ તેની હાઈલાઈટ હશે એવું લાગી રહ્યું હતું પરંતુ એ ફાઈટ સીન જ સહુથી વધુ નિરાશ કરે છે. અમુક દ્રશ્યોની જરૂર ન હતી તો પણ ઉમેરવામાં આવ્યા છે તો અમુક દ્રશ્યો સાવ બાલીશ લાગે છે.
મનોજ બાજપાઈ સરીખો કલાકાર સ્ક્રિપ્ટ જોયા વગર ફિલ્મ સ્વીકારે એ માનવામાં નથી આવતું, કારણકે તેણે જો આ ચવાઈ ગયેલી વાર્તા ઉપર બનેલી સ્ક્રિપ્ટ વાંચી હોત તો તે આ ફિલ્મમાં હોત જ ન નહીં. ફક્ત ચંદ્રભાન બનતો સુવિંદર વિકી મનોજ બાજપાઈને ટક્કર આપતી ભૂમિકા કરે છે એ જ આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે.
બાકી છેલ્લા સીન્સમાં આવતા VFX કોઈને પણ હસાવી મૂકે એટલા ખરાબ છે.
ઓવરઓલ આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરથી જે આશા બંધાઈ હતી તે આ ફિલ્મ જોતી વખતે સંપૂર્ણ નિરાશામાં પરિવર્તિત થઇ જાય છે.