લેન્ડ સ્લાઇડમાં 100 લોકોના નિધન, કાટમાળમાં દબાયેલી મળી લાશો, અહી કુદરતે વેર્યો વિનાશ
પાપુઆ ન્યુ ગિની, 24 મે : પાપુઆ ન્યુ ગિનીમાં અચાનક લેન્ડ સ્લાઈડ થઈ અને આખું ગામ કાટમાળ નીચે દબાઈ ગયું. લગભગ 100 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એબીસીના રિપોર્ટ અનુસાર, આ લેન્ડ સ્લાઈડ દક્ષિણ પેસિફિક ટાપુ દેશ પાપુઆ ન્યૂ ગિનીમાં થઈ છે. દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીના ઉત્તરપશ્ચિમમાં લગભગ 600 કિલોમીટર (370 માઇલ) દૂર એન્ગા પ્રાંતના કાઓકલમ ગામમાં આજે સવારે 3 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું, જે પર્વતોની તળેટીમાં આવેલું છે.
પર્વતના એક ભાગમાં તિરાડ પડવાને કારણે ભૂસ્ખલન
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના અહેવાલ મુજબ, અધિકારીઓએ ભૂસ્ખલન બાદ કાટમાળના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી, પરંતુ મૃત્યુઆંક 100 થી વધુ હોઈ શકે છે. ભૂસ્ખલનનો ભોગ બનેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 3 વાગ્યાની આસપાસ લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક પર્વતનો એક ભાગ ધરાશાયી થયો હતો. ખરાબ હવામાનને કારણે વરસાદ પડ્યો અને કાટમાળની સાથે ઉપરથી કાદવ પણ આવ્યો, જેના કારણે ઘરો ધરાશાયી થયા. કાટમાળ નીચે સૂતેલા લોકો અને તેમનો સામાન દટાઈ ગયો હતો. ઇજાગ્રસ્તોએ લેન્ડ સ્લાઇડના સમાચાર પોલીસ અને વહીવટી અધિકારીઓને આપ્યા. માહિતી મળતાની સાથે જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં લોકોના મોત થઈ ચૂક્યા હતા.