મેડ ઇન ઇન્ડિયા કાર: ભારતીયો માટે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ 18-22 ટકા થશે સસ્તી!
- વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપની જેગુઆર લેન્ડ રોવર હવે ભારતમાં કારનું ઉત્પાદન કરશે
HD ન્યૂઝ ડેસ્ક, 24 મે: ભારતીયો માટે સારા સમાચાર છે. ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની વિશ્વની અગ્રણી ઓટોમોબાઈલ કંપની જેગુઆર લેન્ડ રોવર હવે ભારતમાં તેના બે લોકપ્રિય વાહનો જેવા કે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ કારનું ઉત્પાદન કરશે. તેના 54 વર્ષના લાંબા ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે આ આઇકોનિક મોડલ UKની બહાર બનાવવામાં આવશે. એટલું જ નહીં, અહેવાલ અનુસાર, કંપનીના આ નિર્ણયને કારણે ભારતમાં આ બંને વાહનોની કિંમતમાં પણ 18-22 ટકાનો ઘટાડો થશે.
ભારતમાં ઉત્પાદન કરવું એ એક ઉત્તમ અનુભવ રહેશે
સમાચાર અનુસાર, હાલમાં બંને મોડલનું ઉત્પાદન બ્રિટનમાં જેગુઆર લેન્ડ રોવરના સોલિહુલ પ્લાન્ટમાં થાય છે અને ત્યાંથી ભારત સહિત વૈશ્વિક સ્તરે લગભગ 121 બજારોમાં નિકાસ કરવામાં આવે છે. ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને 15 વર્ષ પહેલાં ટાટા પરિવારમાં JLR(Jaguar Land Rover) બ્રાન્ડ લાવવા બદલ ટાટા સન્સના માનદ(Emeritus) ચેરમેન રતન ટાટાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રેન્જ રોવર કારનું ઉત્પાદન અહીં ભારતમાં જ થશે, આ એક શાનદાર અનુભવ છે. આ ખૂબ જ ખાસ ક્ષણ છે અને હું તેના પર ગર્વ અનુભવું છું.”
દેશના બજારમાં વેચાણમાં વધારો જોવા મળશે
ચંદ્રશેખરને કહ્યું હતું કે, આ પગલાથી કંપની ભવિષ્યમાં દેશમાં વેચાણમાં વધારો જોશે. વધુ વેચાણ થશે અને મને વિશ્વાસ છે કે આગળની સફર શાનદાર રહેશે. અહીં તેનું મેન્યુફેક્ચરિંગ દર્શાવે છે કે કંપનીને આ માર્કેટમાં કેટલો વિશ્વાસ છે. JLR ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજન અંબાએ જણાવ્યું હતું કે, દેશમાં ગ્રાહકોની વિશાળ શ્રેણીને કારણે બંને મોડલને સુલભ બનાવવા માટે સ્થાનિક ઉત્પાદન કંપની માટે એક મોટું પગલું છે.
રાજન અંબાએ વધુમાં કહ્યું કે, અમારા માટે આ એક મોટી જાહેરાત છે કારણ કે આ અમારા ફ્લેગશિપ વાહનો છે અને તેમના 54 વર્ષના ઈતિહાસમાં તે માત્ર સોલિહુલમાં જ બનાવવામાં આવ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં JLR ઈન્ડિયાનું છૂટક વેચાણ 81 ટકાના વધારા સાથે 4,436 યુનિટ્સ થયું હતું.
આ પણ જુઓ: મહિન્દ્રા XUV700નું નવું વેરિઅન્ટ લોન્ચ: જાણો તેના ફીચર્સ અને કિંમત