પંજાબમાં પીએમ મોદીની રેલી પહેલા પોલીસે કરી અનેક ખેડૂત નેતાઓની ધરપકડ
- ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડી ઘણા ખેડૂત નેતાઓની ધરપકડ કરવામાં આવી
પંજાબ, 24 મે: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે રેલી પહેલા જ ઘણા ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પંજાબ પોલીસે ગુરદાસપુર અને જલંધરમાં અનેક ખેડૂત નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા અને તેમને કસ્ટડીમાં લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (24 મે) ગુરદાસપુર અને જલંધરમાં રેલી કરી રહ્યા છે.
ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ પીએમની રેલીનો વિરોધ કરશે
પટિયાલામાં ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરશે. ઘણા ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે તેઓ હેલિપેડ પાસે પીએમ મોદીને કાળા ઝંડા બતાવશે. પોલીસે કિસાન અને જવાન ભલાઈ મોરચાના સભ્યો સુખદેવ સિંહ ભોજપજ, તરલોક સિંહ અને સતબીર સિંહના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસ કિર્તી કિસાન યુનિયનની ગુરદાસપુર શાખાના સેક્રેટરી અને વેપારી સંઘના નેતા માખન કોહરના ઘરે પણ પહોંચી હતી.
ધરપકડ પહેલાં જ ખેડૂત થઈ ગયા ફરાર
ગુરુવારે મોડી રાત્રે પણ ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ઘણા ખેડૂત નેતાઓ તેમના ઘર છોડી ચૂક્યા છે. પોલીસના દરોડા અંગે ખેડૂત આગેવાનોને અગાઉથી જ માહિતી મળી હતી, જેથી તેઓ પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
અમે દરોડા નથી પાડ્યા માત્ર ખેડૂતો સાથે ચર્ચા કરવા ગયા હતા: રાકેશ કૌશલ
ડીઆઈજી (બોર્ડર) રાકેશ કૌશલે કહ્યું કે કોઈ દરોડો પાડવામાં આવ્યો નથી. અમે ખેડૂતો સાથે માત્ર ચર્ચાનો માર્ગ ખોલ્યો છે અને તેઓ કોઈ વિરોધ ન કરે તે માટે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના કન્વીનર સર્વન સિંહ પંઢેર પહોંચવાના હતા. જોકે, પોલીસે આ વાતને નકારી કાઢી છે.
અમને સમજાતું નથી કે પોલીસ અમારી ધરપકડ કેમ કરવા માંગે છે: ખેડૂત આગેવાન
ખેડૂત સંગઠનોએ ગુરુવારથી ગુપ્ત સ્થળોએ તેમની બેઠકો યોજી હતી. વડાપ્રધાન મોદીની રેલી દરમિયાન બટાલા, પઠાણકોટ, હોશિયારપુર અને અમૃતસરના SSP પણ તૈનાત રહેશે. એક ખેડૂત આગેવાને કહ્યું, અમને સમજાતું નથી કે પોલીસ અમારી ધરપકડ કેમ કરવા માંગે છે. અમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમારો વિરોધ શાંતિપૂર્ણ રહેશે. જલંધરમાં BKU યુનિટી સિદ્ધપુર ચલંધરના પ્રમુખ કુલવિંદર સિંહની શુક્રવારે સવારે ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કીર્તિ કિસાન યુનિયનના જિલ્લા અધ્યક્ષ સંતોખ સિંહ સંધુના ઘરની બહાર પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: લૈલા ખાન અને પરિવારની હત્યાના કેસ પિતાને મૃત્યુદંડ, જાણો શું છે આખો મામલો