Paytm ફરી 5થી 6 હજાર કર્મચારીઓની કરી શકે છે છટણી, જાણો કેમ?
- Paytmની મુશ્કેલીઓ 31 જાન્યુઆરીથી થઈ છે શરુ
- ભારતીય રિઝર્વ બેંક દ્વાર ક્રેડિટ વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યા બાદ Paytmની વધી મુશ્કેલી
મુંબઈ, 24 મે: Paytm બ્રાન્ડ નામ હેઠળ ટેક કંપની One97 કોમ્યુનિકેશન્સ આગામી દિવસોમાં લગભગ 5,000-6,300 કર્મચારીઓની છટણી કરી શકે છે. કંપની કર્મચારીઓનો ખર્ચ ઘટાડવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નાણાકીય વર્ષમાં Paytmને તેના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 15-20% ઘટાડો કરવો પડી શકે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર, નાણાકીય વર્ષ 2023 માં કંપનીમાં સરેરાશ 32,798 કર્મચારીઓ કામ કરતા હતા. તેમાંથી 29,503 સક્રિય કર્મચારીઓ હતા. કંપનીનો કર્મચારી દીઠ સરેરાશ ખર્ચ રૂ. 7.87 લાખ હતો. નાણાકીય વર્ષ 2024માં કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 34% વધીને રૂ. 3,124 કરોડ થવાની ધારણા છે અને નાણાકીય વર્ષ 2024માં સરેરાશ કર્મચારી ખર્ચ વધીને રૂ. 10.6 લાખ થવાની ધારણા છે.
સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા પહેલેથી જ ચાલી રહી છે
સમાચાર મુજબ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે. ડિસેમ્બરમાં કંપનીએ કથિત રીતે વિવિધ વિભાગોમાંથી 1,000 થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. નાણાકીય વર્ષ 2024 માં કર્મચારીઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. ટેક્નોલોજી, વેપારી વેચાણ અને નાણાકીય સેવાઓમાં રોકાણને કારણે તાજેતરના વર્ષોમાં અમારા કર્મચારીઓના ખર્ચમાં વધારો થયો છે, એમ કંપનીએ તેના રોકાણકારોની રજૂઆતમાં જણાવ્યું હતું.
કંપનીના નાણાકીય પરિણામોને અસર થઈ
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વન97 કોમ્યુનિકેશન્સની ચોખ્ખી ખોટ એક વર્ષ અગાઉ રૂ. 168 કરોડથી વધીને રૂ. 550 કરોડ થઈ હતી, જે તેની આવકમાં ઘટાડાને કારણે હતી. માર્ચ ક્વાર્ટરમાં કામગીરીની આવક વાર્ષિક ધોરણે 3% ઘટીને રૂ. 2,267 કરોડ થઈ હતી. કંપની માને છે કે ખર્ચના માળખાને શ્રેષ્ઠ બનાવવું, AI ક્ષમતાઓનો લાભ ઉઠાવવો અને મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નોંધપાત્ર ખર્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
Paytmની મુશ્કેલી 31 જાન્યુઆરીથી શરુ થઈ, કેમ કે 31 જાન્યુઆરીએ ભારતીય રિઝર્વ બેંકએ Paytm પેમેન્ટ્સ બેંકને વધારાની થાપણો અને ટોપ-અપ્સ સ્વીકારવાની અને ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે Paytmની મુશ્કેલી શરુ થઈ હતી. પેમેન્ટ બેંકો પર આરબીઆઈના નિયંત્રણો દ્વારા ચોથા ક્વાર્ટરના પરિણામોને ગંભીર અસર થઈ હતી.
આ પણ વાંચો: છેલ્લા ૧૦ વર્ષથી ઉદ્યોગો પર કોઈ દબાણ કરતું નથી: સાંભળો એરસેલના સ્થાપકની વ્યથા