ભારત માટે ગર્વની ક્ષણ, ‘સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’એ કાન્સમાં જીત્યો પ્રથમ એવોર્ડ
- કર્ણાટકની લોકકથા પર આધારિત છે આ ફિલ્મ
- ચિદાનંદ એસ નાઈકની ફિલ્મે કાન્સમાં ભારતને અપાવ્યું ગૌરવ
નવી દિલ્હી, 24 મે: ગુરુવારે ચિદાનંદ એસ નાઈકની ફિલ્મ ‘સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ એ શ્રેષ્ઠ સ્ટોરી માટે ‘લા સિનેફ’નું પ્રથમ ઇનામ જીત્યું હતું, જે ભારત માટે એક મોટી જીત છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મને મળેલા સન્માન અંગે ખુશી વ્યક્ત કરતાં ચિદાનંદે કહ્યું,”અમારી પાસે માત્ર ચાર દિવસ હતા. મને કહેવામાં આવ્યું હતું કે મારે આ ફિલ્મ ન કરવી જોઈએ. આ કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે. આ એવી વાર્તાઓ છે જે સાંભળીને આપણે મોટા થયા છીએ. હું બાળપણથી જ આ વિચારને મારી સાથે લઈને ચાલી રહ્યો હતો.”
આ વર્ષે કાન્સ 2024માં ઘણા ભારતીય સ્ટાર્સનો જલવો જોવા મળી રહ્યો છે. જ્યાં ઐશ્વર્યા રાયથી લઈને અદિતિ રાવ હૈદરી જેવી મોટી મોટી અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર તેમની ફેશનથી દરેકનું દિલ જીતી લીધું હતું, ત્યાં ભારતની સંસ્થા FTIIની ફિલ્મ સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નોને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યું.
હાલમાં, ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (કાન્સ 2024) પૂરજોશમાં ચાલી રહ્યો છે. જ્યાં ભારતીય સિનેમાથી લઈને હોલિવૂડ સુધીની અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર પોતાની ફેશનની સુંદરતા ફેલાવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ઐશ્વર્યા રાય, કિયારા અડવાણી, જેકલીન ફર્નાન્ડીઝ, દીપ્તિ સિધવાણી અને છાયા કદમ સહિત ઘણી અભિનેત્રીઓએ કાન્સના રેડ કાર્પેટ પર વોક કર્યું હતું, તો બીજી તરફ આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી મોટી ફિલ્મોનું પ્રીમિયર પણ થયું હતું. હવે ભારતીય પ્રેક્ષકો 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજી એક ખાસ ક્ષણની ઉજવણી કરી રહ્યા છે, કારણ કે FTIIની બીજી વખત કોઈ શૉટ ફિલ્મે કાન્સમાં એવોર્ડ જીત્યો છે.
અહેવાલો અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે કોઈ FTII ફિલ્મને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હોય. અગાઉ વર્ષ 2020માં FTIIની અશ્મિતા ગુહા નિયોગીએ પણ ફિલ્મ ‘કેટડોગ’ માટે એવોર્ડ જીત્યો હતો.
શું છે સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નોની સ્ટોરી ?
FTIIએ પોતે પણ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ ખુશી શેર કરી અને કહ્યું કે આ ભારત માટે ગર્વની ક્ષણ છે, કારણ કે ભારતીય ફિલ્મને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રથમ ઇનામ મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચિદાનંદ એસ નાઈકની ફિલ્મ ‘સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ની વાર્તા કન્નડમાં રહેતા લોકોની વાર્તાઓ પર આધારિત છે.
આ ફિલ્મમાં એક વૃદ્ધ મહિલા વિશે બતાવવામાં આવ્યું છે, જે એક મરઘી ચોરી લે છે અને પોતાનાં આખા ગામનું ભવિષ્ય અંધકારમાં ડૂબાડી દે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પ્રથમ ઇનામના વિજેતાને 15,000 યુરો આપે છે.
આ પણ વાંચો: યુએસ ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ: બાંગ્લાદેશને હરાવી સિરીઝ જીતી