ગુજરાત: ગરમીથી લૂ લાગવા સહિતના કારણે રાજ્યમાં કુલ 16 વ્યક્તિના મૃત્યુ
- છેલ્લા 6 દિવસમાં આકાશમાંથી વરસી રહેલી અંગદઝાડતી ગરમી
- ડિહાઈડ્રેશન, બેભાન થઈ જવા, લૂ લાગવી, હીટસ્ટ્રોક લાગવો જેવી બિમારી વધી
- ગુરુવારે એકલા સુરતમાં જ નવ વ્યક્તિના મોત થયા
ગુજરાત રાજ્યમાં ગરમીથી લૂ લાગવા સહિતના કારણે કુલ 16 વ્યક્તિના મૃત્યુ થયુ છે. જેમાં સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી-જામનગર-રાજકોટમાં 1-1એ જીવ ગુમાવ્યો છે. એકલા વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી 23નાં મોત થયા છે. તેમજ હૃદય રોગના હુમલા, બેભાન થઈ જવા, હીટસ્ટ્રોક લાગવો, વૉમિટિંગ, ચક્કર સહિતના કસ્સાઓમાં વધારો થયો છે.
આ પણ વાંચો: હીટવેવના લીધે ગુજરાતના આ વિસ્તારો અગનભઠ્ઠીમાં ફેરવાયા
છેલ્લા 6 દિવસમાં આકાશમાંથી વરસી રહેલી અંગદઝાડતી ગરમી
ગરમીમાં દિવસેને દિવસે હૃદય રોગના હુમલા, ડિહાઈડ્રેશન, બેભાન થઈ જવા, લૂ લાગવી, હીટસ્ટ્રોક લાગવો, વૉમિટિંગ, ચક્કર સહિતના કસ્સાઓ વધી રહ્યાં છે, છેલ્લા 6 દિવસમાં આકાશમાંથી વરસી રહેલી અંગદઝાડતી ગરમીમાં ગુરુવારે એકલા સુરતમાં જ નવ વ્યક્તિના મોત સહિત રાજ્યમાં કુલ 16ના મૃત્યુ થયા હતા. આમાં વડોદરામાં ચાર અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1 વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. વડોદરામાં તો ગરમીની હાલની સિઝનમાં જ અત્યાર સુધીમાં 23ના મોત થયા હતા.વડોદરામાં જાંબુઆ બાયપાસ પાસે હાઉસિંગ મકાનમાં 63 વર્ષીય શાંતાબેન જશુભાઈ મકવાણા રહેતા હતા. અતિશય ગરમીમાં છેલ્લાં એક અઠવાડિયાથી શાંતાબેનની તબિયત બગડી હતી અને બીમાર થઈ ગયા હતા. ત્યારે બુધવારે રાત્રે શાંતાબેન બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
4 મહિના અગાઉ તેમને ખેંચ આવતા તેમને સારવાર કરાવી હતી
બીજા બનાવમાં, અટલાદરાના વસાવા મહોલ્લામાં 35 વર્ષીય નવીનભાઈ મયૂરભાઈ વસાવા રહેતા હતા. તેઓ છુટક મજૂરી કરતા હતા. 4 મહિના અગાઉ તેમને ખેંચ આવતા તેમને સારવાર કરાવી હતી. જેમાં તેમને સારૂ થઈ જતા તેઓએ દવા બંધ કરી દીધી હતી. ત્યારે બુધવારે બપોરે કાળઝાળ ગરમીમાં તેમને તાવ આવ્યો હતો અને ખેંચ આવતા સારવાર માટે ગોત્રી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સયાજી હૉસ્પિટલમાં લઈ આવતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું
ત્રીજા બનાવમાં, છાણી દુમાડ રોડ ઉપર યોગી ગ્રીન રેસિડન્સિમાં રહેતા 47 વર્ષીય પીટર એસ સેમ્યૂલ ખાનગી હૉસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે પીટર સેમ્યુલ તેમના બીજા મકાન ખટંબા ખાતે આવેલ અક્ષય આશ્રયમાં ગયા હતા. જ્યાંથી તેઓ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે ખસેડાતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. ચોથા બનાવમાં, મકરપુરા જીઆઈડીસીમાં રહેતા 46 વર્ષીય રમેશભાઈ તડવી પાણીના આર.ઓ પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. બુધવારે રમેશભાઈ કંપનીમાં પાણીના જગ ધોઈ રહ્યાં હતા, ત્યારે એકાએક ચક્કર આવીને ઢળી પડયાં હતા. જેથી તેમને કંપનીના કર્મીઓ સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં લઈ આવતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પાંચમા બનાવમાં, આજવા રોડ વુડા હાઉસિંગના એપીનગરમાં રહેતા 65 વર્ષીય દીલિપભાઈ ડુડગરી ઠાકરે ગુરુવારે સવારે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ઉપર હાજર હતા ત્યારે એકાએક તેમને વિકનેશ અને ચક્કર આવતા સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો
શહેરમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે, અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, ગુરુવારે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત પાંચ દર્દીઓને સિવિલ ખાતે લવાયા હતા. આ સિઝનમાં પહેલી વાર દર્દીઓને દાખલ કરવા પડયા છે. અગાઉ પણ દર્દીઓ સારવાર માટે આવ્યા છે પરંતુ ઓપીડી બેઝ ઉપર જરૂરી સારવાર આપવામાં આવી હતી. ભારે ગરમીના કારણે લૂની અસર થતાં હાલ પાંચ દર્દી હીટ સ્ટ્રોક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવા તેમજ ભારે તાવના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. તબીબોએ સલાહ આપી છે કે, લોકોએ બપોરના સમયે ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 2500 જેટલા લોકોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવા પડયા છે.