24 મે, ચેન્નાઈ: રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટર હારી ગયા બાદ ‘હવે તમારું મોઢું બંધ રાખો!’ RCBને પૂર્વ ભારતીય ઓપનરે આ પ્રકારે સલાહ આપી છે. શ્રીકાંતની આ ટીપ્પણી CSK સામે મેચ જીત્યા બાદ ક્વોલીફાય થવા બાબતે RCB ટીમ અને તેના સમર્થકોએ જે વર્તન કર્યું હતું તેને ધ્યાનમાં લઈને સામે આવી છે.
RCBને પૂર્વ ભારતીય ઓપનરે આ સલાહ તેની યુટ્યુબ ચેનલ મારફત આપી છે. તેમણે કહ્યું હતું કે, ‘જીવનમાં જ્યારે તમારો સારો કાળ ચાલી રહ્યો હોય ત્યારે પોતાનું મોઢું બંધ રાખવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. તમે જે કશું પણ કરો છો તેના વિશે બૂમો પાડો છો તો તમે તમારા કામમાંથી ધ્યાન ભટકાવી દેશો. તે લોકો (RCB) અનાવશ્યક વિડિયોઝ પોસ્ટ કરી કર્યા હતા અને અનાવશ્યક દેખાડો કરી રહ્યા હતા. આથી જ કર્મ પરત આવ્યું અને તેમને નષ્ટ કરી દીધા. આથી ક્રિકેટમાં તમારે મોઢું બંધ રાખવાની અને રમતા રહેવાની જરૂર છે.
શ્રીકાંતે આગળ કહ્યું હતું કે, ‘જો તમે સારું રમ્યા, તો સરસ, તમને અભિનંદન. પરંતુ જો તમે ખરાબ રમો છો તો તમારે ટીકાનો પણ સ્વીકાર કરવો જોઈએ. પરંતુ બંને પરિસ્થિતિઓમાં તમારે તમારું મોઢું બંધ રાખવું જોઈએ અને વધારે પડતી આક્રમકતા ન દેખાડવી જોઈએ. તેઓ પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થવા માટે અને સળંગ 6 મેચો જીતવા બદલ પોતાની જાતને અભિનંદન આપી રહ્યા હતા. પરંતુ ચેન્નાઈ અને મુંબઈએ તો આવું ઘણી વખત કર્યું છે. તેઓ ક્વોલીફાય કરવાથી ક્યાંય દૂર હતા તેમ છતાં તેઓ સફળ થયા હતા અને છેવટે ટ્રોફી જીતી છે. આ લોકોએ સળંગ 6 મેચો જીતી અને ક્વોલીફાય કર્યું અને પછી બહાર થઇ ગયા.
ચેન્નાઈ સામે બેંગલુરુમાં રમાયેલી મહત્વની મેચમાં જીત મેળવ્યા બાદ મેદાન પર RCBના ખેલાડીઓનું જે રીતે વર્તન રહ્યું હતું તેની મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં આકરી ટીકા કરવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ RCBના ફેન્સે સ્ટેડિયમની બહાર અને બેંગલુરુના અમુક વિસ્તારોમાં પોતાના ઘર તરફ પરત ફરી રહેલા ચેન્નાઈના ફેન્સ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.
આ બાબતોએ શ્રીકાંત ઉપરાંત ઘણા અન્ય પૂર્વ ક્રિકેટરોને ગુસ્સે કરી દીધા છે.