લક્ષ્ય સેન અને પીવી સિંધુની ઓલિમ્પિક્સની ટ્રેનીંગનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે
24 મે, નવી દિલ્હી: કેન્દ્ર સરકારના યુવા મામલા અને સ્પોર્ટ્સ મંત્રાલયે પોતાના મિશન ઓલિમ્પિક સેલ એટલેકે MOCની નીતિ અનુસાર નિર્ણય લીધો છે કે ભારતના બે બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન અને પીવી સિંધુ માટેની ઓલિમ્પિક્સની ટ્રેનીંગનો તમામ ખર્ચ તે ઉપાડશે.
લક્ષ્ય સેને સરકાર સમક્ષ ફ્રાંસના માર્સેલમાં 12 દિવસની ટ્રેનીંગનો ખર્ચ ઉપાડી લેવાની વિનંતી કરી હતી જેથી તે પેરીસ ઓલિમ્પિક્સ 2024 માટે યોગ્ય ટ્રેનીંગ મેળવી શકે. લક્ષ્ય સેન પેરીસ ઓલિમ્પિક્સમાં પુરુષોની બેડમિન્ટન સિંગલ્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
લક્ષ્ય સેન પોતાની ટ્રેનીંગ માર્સેલના ધ હાલ દ પાર્સમો ખાતે 8 જુલાઈથી 21 જુલાઈ સુધી પોતાના કોચ તેમજ સપોર્ટ સ્ટાફ સાથે પ્રેક્ટીસ કરશે જેથી આવનારી ઓલિમ્પિક્સમાં ભારતને મેડલ જીતાડવા માટે તે પૂરતી તૈયારી કરી શકે.
એક અન્ય સમાચારમાં ભારત સરકારે ઓલિમ્પિક્સ ગેમ્સમાં બે વખત ભારત માટે મેડલ જીતનાર મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને પણ સરકારના ખર્ચ ઉપર ટ્રેનીંગ આપવાનો નિર્ણય લીધો છે. પીવી સિંધુ જર્મની ખાતે પોતાની ટ્રેનીંગ લેશે. સિંધુ જર્મનીના હરમાન-ન્યુબર્ગર સ્પોર્ટ્સશુલ ખાતે ટ્રેનીંગ લેશે.
આ ટ્રેનીંગ સેન્ટર ખાતે પીવી સિંધુ પોતાના કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે એક મહીના સુધી ટ્રેનીંગ કરશે અને ત્યારબાદ તે પેરીસ જવા રવાના થશે.
લક્ષ્ય સેન અને પીવી સિંધુ માટે સરકારે જે કોઈ પણ ખર્ચ ઉપાડી લેવાની મંજૂરી આપી છે તેમાં તેમના પ્લેનની ટીકીટો, રહેવાના તેમજ ખાવાપીવાના ખર્ચ, સ્થાનિક ટ્રાન્સપોર્ટ માટે થતા ખર્ચ, વીસા ફી, અને શટલકોક માટે થતા ખર્ચને સમાવી લીધા છે.
મંત્રાલયની હાલમાં જ આ બાબતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં ભારતની ટેબલ ટેનીસ ખેલાડી શ્રીજા અકુલા અને તીરંદાજ તીશા પૂનિયાને તેમની રમતોના સાધનનોનો ખર્ચ આપવાની વિનંતીને પણ મંજૂરી આપી દીધી છે.
આટલું જ નહીં મંત્રાલય ગોલ્ફર અદિતિ અશોક અને સ્વિમર આર્યન નહેરાને પણ તેમની વિનંતીને મંજૂર કરતાં પેરીસમાં તેમનાં રોકાણ દરમ્યાન તેમના એરફેયર, રહેવાના ખર્ચ, સ્થાનિક ટ્રાન્સપોર્ટ ખર્ચ વગેરે પૂરા પાડશે. આ ઉપરાંત આર્યનને જે કોઇપણ સાધનની જરૂર હશે તો તેનો ખર્ચ પણ મંત્રાલય ઉઠાવશે અને અદિતિને તેના કેડ્ડીનો ખર્ચ પણ આપશે.
આ ઉપરાંત ટેબલ ટેનીસ પ્લેયર હરમીત દેસાઈ અને સમગ્ર મહિલા 4×400 રીલે દોડની ટીમ, કુસ્તીબાજ નિશા અને રીતિકાને પોતાના કોરગ્રુપમાં સામેલ કરીને તેમની રમતનો વિકાસ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત 2028 અને 2032 ઓલિમ્પિક્સ જે અનુક્રમે લોસ એન્જલસ અને બ્રિસ્બેનમાં રમાવાની છે તેમાં મેડલ જીતી શકાય તે માટે ગોલ્ફર કાર્તિક સિંઘને પણ સંપૂર્ણ મદદ કરવાનો નિર્ણય પણ એ મિટિંગમાં લેવામાં આવ્યો છે.