ગુજરાતટોપ ન્યૂઝ

આજથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Text To Speech

રાજ્યમાં આજથી એટલે કે શુક્રવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારને ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. તારીખ 22, 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 6 જિલ્લાને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

6 જિલ્લા રેડ એલર્ટ પર 

રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.’વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે.

ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ આગાહી મુજબ આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, બોટાદ, દ્વારકા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા અને પોરબંદરમાં વરસાદ પડી શકે છે. તારીખ 23 અને 24 જુલાઇના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો કચ્છમાં 23 જુલાઇના રોજ અતિભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદમાં પણ 23 અને 24 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 જુલાઈના રોજ સુરત, વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. આથી, 23 અને 24મી તારીખના રોજ માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

Back to top button