T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી સાથે તેના જ ક્રિકેટ બોર્ડે ગેમ કરી નાખી

Text To Speech

23 મે, લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCB તેની સ્થાપનાથી જ સતત વિવાદમાં રહ્યું છે. આજે પણ તે કોઇપણ દેખીતા કારણો વગર વિવાદ ઉભું કરતું જ રહે છે. ગઈકાલે જ પાકિસ્તાનના બોર્ડે એક નવો જ વિવાદ ઉભો કરી દીધો છે. પોતાના જ ફાસ્ટ બોલર હસન અલી સાથે તેણે ગેમ કરી નાખી છે.

વાત એમ છે કે હસન અલીને બીજા ફાસ્ટ બોલર હારીસ રાઉફના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો હતો. હસન અલી હાલમાં પાકિસ્તાની ટીમ સાથે આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ઇંગ્લેન્ડ સામે ચાર મેચોની T20I સિરીઝ દરમ્યાન જ પાકિસ્તાનની વર્લ્ડ કપની ટીમ જાહેર કરવામાં આવનાર હતી. આથી હસન અલીને પણ આશા હતી કે તે પણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કરશે.

પરંતુ થયું એવું કે આયરલેન્ડની સિરીઝ પૂરી થઇ અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ શરુ થાય તે પહેલાં જ ખબર આવી ગઈ હતી કે હારીસ રાઉફ ફીટ થઇ ગયો છે. આમ જો વર્લ્ડ કપની અને ઇંગ્લેન્ડની સિરીઝમાં હારીસ રાઉફને સમાવવો હોય તો કોઈ એક બોલરને કાઢવો પડે. આથી PCB પાસે આયરલેન્ડ સિરીઝમાં મોંઘો સાબિત થયેલો ફાસ્ટ બોલર હસન અલી સિવાય બીજો કોઈજ વિકલ્પ ન હતો.

ગઈકાલે PCBએ આધિકારિક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી T20I સિરીઝમાંથી હસન અલીને રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને તેને સ્થાને હારીસ રાઉફને સમાવવામાં આવ્યો છે.

જો કે હારીસ રાઉફ પણ વિવાદમાં રહ્યો છે. રાઉફ ગત ICC World Cup જે ભારતમાં રમાયો હતો તેમાં ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. ત્યારબાદ રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી હારીસ રાઉફે એમ કહીને પોતાનું નામ પરત લઇ લીધું હતું કે તેને આરામની જરૂર છે.  પરંતુ તેણે આ સાથે બિગ બેશ લીગમાં રમવા માટે પણ અરજી કરી હતી.

આથી PCB ગુસ્સે ભરાયું હતું અને હારીસ રાઉફને સંપૂર્ણ બીગ બેશ લીગ નહીં પરંતુ અમુક મેચો રમાડવાની મંજૂરી આપી હતી. હારીસ રાઉફ આટલો બધો ખર્ચાળ છે અને પોતાના જ બોર્ડ સાથે તેને આજથી ફક્ત અમુક મહિનાઓ અગાઉ વાંધો પડ્યો હતો તેમ છતાં તેનું સિલેક્શન ઇંગ્લેન્ડ સિરીઝ અને ત્યારબાદ રમાનારા ICC T20 World Cup માટે કરવામાં આવી છે તે આશ્ચર્ય પમાડે તેવું છે.

Back to top button