અમદાવાદ, 22 મે 2024, ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષાઓનું પરિણામ પર વિદ્યાર્થીઓને મળી ગયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સરળ અને સચોટ માર્ગદર્શન મળે અને તેમની ઉજ્જવળ કારકિર્દી બને તે માટે સતત 19મા વર્ષે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીનાં ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તકનું વિમોચન રાજ્યસભા સાંસદ મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પુસ્તકમાં વિગતવાર ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સ બાદ ક્યાં ક્યાં અભ્યાસ કરી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે જે પણ પ્રશ્ન મૂંઝવતા હશે તેનું આ પુસ્તકમાં નિરાકરણ મળશે.
સત્તત 19 માં વર્ષે પુસ્તકનું વિમોચન કરાયું
પુસ્તક વિમોચન પ્રસંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દર વર્ષે કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા ડો. મનિષ દોશી દ્વારા ધોરણ 10 અને 12 પછી કઈ દિશામાં કેવી રીતે આગળ વધવું જોઈએ તેની માહિતી તૈયાર કરી પુસ્તક બહાર પાડવામાં આવે છે. આ વખતે સતત 19માં વર્ષે “કારકિર્દીના ઉંબરે” ધોરણ 12 પછી શું? નામે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જે દિશામાં આગળ વધે તેની દિશા અને દ્રષ્ટિ આ પુસ્તકમાં મળે છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે બાળકોને પોતાના ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું તેની તમામ માહિતી આપવામાં આવી છે. પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે રાજનૈતિક પાર્ટીઓ આવા કામ પોતાના રાજનૈતિક કાર્યક્રમની વ્યસ્તતાને લઈને ખૂબ ઓછા કરતા હોય છે તેવામાં ડો. મનીષ દોશીના આવા પ્રયાસોને હું બિરદાવું છું.
ધોરણ 12 પછી શું?નાં તમામ પ્રશ્નોનું સમાધાન: મનિષ દોશી
પુસ્તક વિમોચન અંગે ડો. મનીષ દોષીએ જણાવ્યું હતું કે ધોરણ 12 પછી શું કરવું તેવી ઘણી વિડંબનાઓ દરેક વિદ્યાર્થીઓના માતા પિતાને હોય છે. કઈ વિદ્યાશાખામાં પ્રવેશ લેવો તેવા અનેક પ્રશ્નોના નિવારણ માટે આ પુસ્તક વિનામૂલ્યે વેબસાઈટ પર ડાઉનલોડ કરી શકાય છે. રાજ્યના ગરીબ પરિવારો કે જેઓ શિક્ષણનો બોજો ઉઠાવી શકવામાં સક્ષમ નથી જેમના માટે આર્થિક રીતે સ્કોલરશીપ સહિતની કેટલી સરકાર દ્વારા મદદ મળી શકે તેમ છે તેવી પણ તમામ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદના બે પ્રાધ્યાપક નેપાળમાં આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંશોધનપત્ર રજૂ કરશે