બિઝનેસ

સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ થઈ ફિક્કી

Text To Speech

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. લાંબા સમય બાદ સોનાની કિંમત 50,000ના નિશાનથી નીચે આવી છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 478 રૂપિયા ઘટીને 49,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત

છેલ્લા ટ્રેડિંગ દિવસે બુધવારે કિંમતી પીળી ધાતુ રૂ. 50,308 પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,689 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા અનુસાર, ડોલરની મજબૂતાઈ અને ઈક્વિટી ઈન્ડેક્સમાં વધારો થવાને કારણે સોનાની કિંમત લગભગ એક વર્ષના નિચલા સ્તરે પહોંચી છે.

સોનું

સોનામાં ઘટાડાના આ મોટા કારણો

છેલ્લા ઘણા સમયથી સતત અમેરિકી ડોલરમાં તેજી જોવા મળી રહી છે. ડોલર 20 વર્ષની ટોચે પહોંચવાની નજીક છે. જ્યારે અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ 10 વર્ષમાં સૌથી વધુ છે. આના લીધે રોકાણકારો સમક્ષ સુરક્ષિત રોકાણના શ્રેષ્ઠ રિટર્નના ઉપાય ઉપલબ્ધ છે. સોના સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ આ જ છે. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારો પણ તેમાં ભાગ ભજવી રહ્યા છે. તે આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં વ્યાજ દરમાં 0.75 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીનો ભય હોવા છતાં સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ સામાન્ય રીતે આવું થતું નથી. મંદી અને યુદ્ધ જેવા સંકટમાં સોનાના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ છે. યુએસમાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ડૉલરની મજબૂતીથી સોનું ઘટી રહ્યું છે.

સોનું

સોનું ખરીદનારાઓ માટે સુવર્ણ તક

સોનામાં ઘટાડો એ દેશના ખરીદદારો માટે સોનેરી તક છે. ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવ લગભગ એક વર્ષના નીચલા સ્તરે આવી ગયા છે. તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. આજે સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે અને તે 16 મહિનામાં સૌથી સસ્તું બની ગયું છે.

ચાંદી 1,265 રૂપિયા સસ્તી થઈ છે

સોનાની સાથે ચાંદીની ચમક પણ ફીક્કી પડી રહી છે. તેના ભાવમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સ્પોટ સિલ્વરના ભાવ 0.9 ટકા ઘટીને 18.49 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચ્યો છે. પ્લેટિનમ પણ 0.7 ટકા સસ્તું થઇને 852.14 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયું છે. જોકે, પેલેડિયમમાં સામાન્ય તેજી જોવા મળી અને તેનો ભાવ 0.1 ટકા વધીને 1,863.47 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચ્યો હતો. સોનાની સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીમાં પણ જોરદાર ઘટાડો થયો છે. ગુરુવારે ચાંદી રૂ. 1,265 ઘટીને રૂ. 54,351 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી જે અગાઉના વેપારમાં રૂ. 55,616 પ્રતિ કિલોગ્રામ હતી.

Back to top button