ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે. ત્યારે નેતાઓ પોતાનો લાભ જોઈને અહીંથી ત્યાં કૂદકા મારવાના શરૂ કરી દીધા છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ પાર્ટીથી વધુ નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના નેતાઓ જ ભાજપ કે આપમાં જોડાઈ રહ્યાં છે. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના રાજીનામા અને ભાજપ પ્રવેશ બાદ યુથ કોંગ્રેસની ટીમ પણ કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ પહેરવાના વિચારમાં છે. 20 જુલાઈના રોજ હાર્દિક પટેલના નજીકના મનાતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના જનરલ સેક્રેટરી સુરજ ડેરે રાજીનામુ આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને તેઓ પણ ભાજપમાં જોડાઇ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
કામમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપું છું
યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ નારાજ હોવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યા છે. તેવામાં યુથ કોંગ્રેસમાં પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સૂરજ ડેરે 20 જુલાઈના રોજ કામની વ્યસ્તતાના કારણે યુથ કોંગ્રેસને સમય ન આપી શકતા હોવાનું કારણ આગળ ધરી પક્ષના તમામ હોદા પરથી રાજીનામુ આપી દીધું છે. જેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે અને તેઓ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસનો એક સૈનિક કાયમ રહીશઃ ડેર
સુરજ ડેરે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાને પત્ર લખી પોતાનું રાજીનામુ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ દ્વારા મહામંત્રી તરીકેની મને જે જવાબદારી સોંપવામાં આવી છે જે સમયના અભાવ અને મારા પર્સનલ કામમાં વ્યસ્ત રહેતો હોવાના કારણે નિભાવી શકતો નથી તો મારું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકાર કરવામાં આવે તેવી વિનંતી કરું છું. આ સાથે તેઓએ કોંગ્રેસના એક સૈનિક તરીકે કાયમ તૈયાર રહીશ તેવો પણ ઉલ્લેખ કર્યો છે.
યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની રેસમાં મોખરે હતા
ઉલ્લેખનીય છે કે સુરજ ડેર છેલ્લા ઘણા વર્ષોથી NSUI તેમજ યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલ હતા. તેઓ હાર્દિક પટેલના નજીકના નેતા માનવામાં આવતા હતા. ચાલુ વર્ષે યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની રેસ પણ તેમનું નામ મોખરે ચાલી રહ્યું હતું. પરંતુ એ સમયે કાર્યકારી અધ્યક્ષ પદ પર હાર્દિક પટેલ હતા અને તેમના કહેવાથી વિશ્વનાથ વાઘેલાને સૂરજ ડેર દ્વારા ટેકો જાહેર કરી પ્રમુખ પદ પર ચૂંટાવ્યા હતા. ત્યારે એકાએક રાજીનામાના પગલે તેઓ પણ કોંગ્રેસ પક્ષથી નારાજ થઇ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચા જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.