વિશેષસ્પોર્ટસ

નોર્થ-ઇસ્ટના ક્રિકેટરોના વિકાસ માટે BCCIનો મોટો નિર્ણય

21 મે, મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલેકે BCCI દ્વારા ગઈકાલે ભારતના છ ઉત્તરપૂર્વી રાજ્યોમાં ઇન્ડોર ક્રિકેટ એકેડમી માટે ભૂમિપૂજન હાથ ધરવામાં આવ્યું હતું. આ એકેડમી શરુ થયા બાદ નોર્થ-ઇસ્ટના ક્રિકેટરોના કૌશલ્ય વિકાસ માટે એક લાંબો માર્ગ ખુલ્લો થઇ જશે. આ એકેડમીનો એક માત્ર હેતુ આ ક્ષેત્રના ઉભરતા ક્રિકેટરોને મદદ કરવાનો છે.

આ પ્રકારની ઇન્ડોર ક્રિકેટ એકેડમી અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ અને સિક્કિમ જેવા રાજ્યોના ક્રિકેટરોને આગળ આવવા માટે મદદ કરશે. આ રાજ્યોના શિલોંગ, ઇટાનગર, કોહિમા, આઈઝોલ, ઇમ્ફાલ અને ગંગટોક શહેરોમાં એકેડમીઓ કાર્યરત થશે.

આ પ્રસંગે BCCIના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, ‘એ મારું સદ્ભાગ્ય છે કે મેં નોર્થ-ઇસ્ટના રાજ્યોમાટે BCCIની પોતાની રીતે શરુ કરવામાં આવનારી ક્રિકેટ એકેડમીનું ભૂમિપૂજન કર્યું છે. અત્યાર સુધી ચોમાસાની સિઝનમાં આ રાજ્યોના ઉભરતા ખેલાડીઓને કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ કે પછી અમદાવાદ જઈને ટ્રેઈનીંગ લેવી પડતી હતી.’

એક વખત આ એકેડમીઓ અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ અને સિક્કિમમાં શરુ થઇ જશે પછી અહિંના ઉભરતા ખેલાડીઓને ચોમાસામાં પણ પ્રેક્ટીસ કરવા માટે વિશ્વકક્ષાની નેટ્સ, ઇન્ડોર સ્વિમિંગ પુલ અને ફિટનેસ સેન્ટરનો લાભ મળશે. જો કે આ એકેડમીઓ સમગ્ર વર્ષ કાર્યરત રહેશે પરંતુ ઉત્તરપૂર્વમાં ચોમાસું ભારે હોવાથી આ સિઝનમાં પણ તેમને આ લાભ મળતો રહેશે.

આ ઉપરાંત મિઝોરમમાં એક નવું ક્રિકેટ પેવેલીયન પણ શરુ કરવામાં આવશે જે આ ક્ષેત્રમાં ક્રિકેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને વધુ વિકસિત કરશે તેવી આશા જય શાહે વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત BCCI બેંગલુરુમાં ચાલી રહેલી નેશનલ ક્રિકેટ એકેડમીને પણ વધુ સુવિધાજનક બનાવવા જઈ રહ્યું છે તેમ પણ જય શાહે કહ્યું હતું. આ એકેડમીનો વિસ્તાર વધારવામાં આવશે આ ઉપરાંત અહીં આપવામાં આવતી સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.

પહેલેથી જ ભારતમાં ઉત્તરપૂર્વી રાજ્યોના ક્રિકેટરોની અવગણના કરવામાં આવતી હતી. પરંતુ 2013ના સ્પોટ ફિક્સિંગ કાંડ બાદ સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલા જસ્ટિસ લોઢા કમિશને ઉત્તરપૂર્વના તમામ રાજ્યોને એક એક ફર્સ્ટ ક્લાસ ટીમ બનાવવા દેવી જોઈએ તેવી ભલામણ કરી હતી. આ રીતે આ ક્ષેત્રમાં નવી ટીમો બનતાં ક્રિકેટની લોકપ્રિયતા મજબૂત બની હતી અને હવે અહિંના ઉભરતા ક્રિકેટરોને આ નવી એકેડમીથી તેમનું કૌશલ્ય વધુ સારી રીતે રજૂ કરવામાં મદદ મળશે.

Back to top button