T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

‘ટાઇમ તો એમનો ખરાબ હોય છે…’ રીંકુ સિંઘનું દર્દ છલકાયું

Text To Speech

21 મે, અમદાવાદ: આગામી અઠવાડિયે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમનાર ICC T20 World Cupમાં રમવા માટે ટીમ ઇન્ડિયા રવાના થશે. આ ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન રીંકુ સિંઘની પસંદગી રિઝર્વ ખેલાડી તરીકે થઇ છે. જ્યારે T20Iમાં રીંકુ સિંઘે 15 મેચોની 11 ઇનિંગ્સમાં 89ની એવરેજ અને 176ની સ્ટ્રાઈક રેટથી 356 રન બનાવ્યા છે. આવામાં તેને મૂળ ટીમમાં સામેલ કેમ ન કરવામાં આવ્યો તેવા સવાલના જવાબમાં રીંકુ સિંઘનું દર્દ છલકાઈ ગયું હતું.

એક ઇન્ટરવ્યુમાં રીંકુએ કહ્યું હતું કે, ‘હું પહેલેથી જ આ નંબરે રમતો આવ્યો છું. હા મેં અત્યાર સુધી જુનિયર ટુર્નામેન્ટમાં જ જીત મેળવી છે કોઈ મેજર ટુર્નામેન્ટ હું જીતી શક્યો નથી, પરંતુ ભારતની ટીમ માટે રમીને વર્લ્ડ કપ જીતવો એ સપનું જેમ અન્યોનું હોય તેમ મારું પણ છે.’

તો પછી મુખ્ય ટીમમાં સિલેક્શન ન થવાથી તેને કોઈ દુઃખ નથી થતું? આ પ્રશ્નના જવાબમાં રીંકુ સિંઘે કહ્યું હતું કે, ‘ટાઈમ એમનો ખરાબ હોય છે જેમના હાથપગ નથી હોતા કે તેઓ તેમનો ઉપયોગ નથી કરી શકતા. મારી પાસે તો બંને છે, એટલે મારો ટાઈમ ખરાબ નથી ચાલી રહ્યો. યોગ્ય સમયે મને યોગ્ય તક મળશે તેનો મને વિશ્વાસ છે અને આથી જ હું અત્યારે જે છું તેમાં જ ખુશ છું.’

ગયા વર્ષે યશ દયાલની એક ઓવરમાં મારેલી પાંચ સિક્સર વિશે યાદ કરતાં રીંકુ સિંઘનું દર્દ ક્યાંય ગાયબ થઇ ગયું હતું અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. રીંકુ સિંઘે કહ્યું હતું કે પહેલાં હું ખૂબ વિચારતો કે મારો ટાઈમ ક્યારે આવશે? હું IPLમાં અને અન્ય ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરવા માટે સતત મહેનત કરતો રહેતો, પરંતુ ધારી સફળતા ન મળતી. પરંતુ એ મેચ (જેમાં રીંકુ સિંઘે યશ દયાલને પાંચ સિક્સર મારી હતી) બાદ તો મારી આખી જિંદગી જ બદલાઈ ગઈ છે. પહેલાં લોકો મને ઓળખતા ન હતા, પરંતુ હવે  ઓળખવા લાગ્યા છે. રસ્તાઓ પર મોટા મોટા બેનરો પર મારો ફોટો લાગે છે. હું હવે ક્યાંય એકલો જઈ નથી શકતો. હું જ્યાં જાઉં ત્યાં લોકો મારા નામની બૂમો પાડતા હોય છે.

રીંકુ સિંઘે કહ્યું હતું કે તે કાયમ છઠ્ઠા નંબરે જ રમવા માંગશે કારણકે આ નંબર ઉપર એ પોતાને કમ્ફર્ટેબલ ફિલ કરતો હોય છે.

Back to top button