21 મે, કિંગ્સ્ટન (જમૈકા): મહાન દોડવીર અને વેસ્ટ ઇન્ડિઝના જમૈકાના રહેવાસી એવા ઉસેન બોલ્ટ ક્રિકેટના પણ ખૂબ મોટા ફેન છે. આવનારા ICC T20 World Cup માટે ICCએ ઉસેન બોલ્ટને બ્રાંડ એમ્બેસેડર પણ જાહેર કર્યા છે. એક મુલાકાતમાં મોટો ખુલાસો થયો હતો કે ઉસેન બોલ્ટ માટે સચિન તેન્દુલકર અને બ્રાયન લારા કરતાં પણ એક એવો ખેલાડી છે જે તેમનાથી પણ મહાન છે.
ઉસેન બોલ્ટ જે સમયમાં પોતે એક પછી એક વર્લ્ડ રેકોર્ડ તોડી રહ્યા હતા તે સમયે સચિન તેન્દુલકર અને બ્રાયન લારા વિશ્વ ક્રિકેટ પર રાજ કરી રહ્યા હતા. આથી સ્વાભાવિકપણે કોઈને પણ એવું લાગે કે જ્યારે બોલ્ટને પૂછવામાં આવે કે તતેમના મત અનુસાર વિશ્વનો અત્યારસુધીની સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે તો તે સચિન અથવાતો લારામાંથી જ એક નામ આપશે. પરંતુ બોલ્ટના જવાબે તમામને આશ્ચર્યમાં નાખી દીધા છે.
ભારતીય ન્યૂઝ સંસ્થાને આપેલી મુલાકાતમાં બોલ્ટે જણાવ્યું હતું કે તેમને વસીમ અક્રમ, કર્ટલી એમ્બ્રોસ અને કોર્ટની વોલ્શ ખૂબ ગમતા, ખાસ કરીને વસીમ અક્રમ કારણકે તેઓ બોલને સ્વીંગ પણ કરાવી શકતા. હું મારા પિતાની જેમ જ જ્યારે પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમ કોઈ ક્રિકેટ મેચ રમતી હોય તો હું તેનું સમર્થન કરતો હોઉં છું.
સચિન તેન્દુલકર અને બ્રાયન લારા વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ઉસેન બોલ્ટનું કહેવું હતું કે તે તો આ બંનેને રમતા જોઇને જ મોટો થયો છે અને તે એમનો ખૂબ મોટો ફેન પણ છે. પરંતુ તેમ છતાં ઉસેન બોલ્ટ આ બંનેને કે પછી અક્રમ, વોલ્શ કે એમ્બ્રોસને મહાનતમ ખેલાડી નથી માનતો.
તો પછી કોણ છે એ ક્રિકેટર જે ઉસેન બોલ્ટ માટે મહાન ખેલાડી હોવાનું ગૌરવ ધરાવે છે?
જ્યારે બોલ્ટને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે વિરાટ કોહલી તેમના મતે તેમણે જોયેલો અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે. પોતાનું આ પ્રમાણે માનવા પાછળનું કારણ શું છે તે અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઉસેન બોલ્ટે કહ્યું હતું કે કોહલી આક્રમક બેટ્સમેન છે અને અન્ય તમામ બેટ્સમેનોથી તે સાવ અલગ છે. આથી તેના મતે તો તેણે અત્યારસુધી જોયેલા તમામ ક્રિકેટરોમાં વિરાટ કોહલી જ સર્વશ્રેષ્ઠ છે.