IPL-2024T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

આજે શરુ થતા IPL પ્લેઓફ્સના ફક્ત 5 ખેલાડીઓ T20 World Cup રમશે

21 મે, અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનાર IPL Playoffs 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચથી IPL 2024 સિઝનના અંતનો આરંભ થઇ જશે. આ મેગા ટુર્નામેન્ટનું સમાપન થયા બાદ તુરંત જ ટીમ ઇન્ડિયા ICC T20 વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા માટે ચિંતાનો વિષય એ હશે કે આજથી શરુ થતા પ્લેઓફ્સના ફક્ત 5 ખેલાડીઓ જ T20 World Cup રમશે.

IPLના પ્લેઓફ્સમાં સ્વાભાવિકપણે ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમો પહોંચતી હોય છે. આ શ્રેષ્ઠ ટીમોના મોટાભાગના શ્રેષ્ઠ ખેલાડીઓ જ જો ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મિશનના ભાગ ન હોય તો તેનો સીધોસાદો અર્થ એજ છે કે ટીમને આવનારી ટુર્નામેન્ટમાં ઘણું સહન કરવું પડશે. આમ પણ ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ જેમાં કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ છે તેમનું ફોર્મ IPLમાં કંઈ ખાસ રહ્યું નથી.

ચાલો, જરા વિસ્તારથી જોઈએ કે આ વર્ષના પ્લેઓફ્સમાં રમનારા ફક્ત 5 ખેલાડીઓ જ આગામી વર્લ્ડ કપ રમશે એવી પરિસ્થિતિ કેવી રીતે ઉભી થઇ.

KKR આ વખતે પોઈન્ટ્સ ટેબલમાં સહુથી પહેલાં નંબરે છે પરંતુ તેનો એક માત્ર ખેલાડી રીંકુ સિંઘ વર્લ્ડ કપની ટીમમાં પસંદ થયો છે અને એ પણ રિઝર્વ તરીકે. એટલે મુખ્ય ટીમમાં કોઈ ખેલાડી માંદો પડે કે કાયમ માટે તેણે વર્લ્ડ કપ છોડવો પડે તો જ રીંકુનો ચાન્સ લાગી શકે તેમ છે.

SRH જે પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને રહ્યું છે તેનો એક પણ ખેલાડી વર્લ્ડ કપ રમવા માટેની ભારતીય ટીમમાં જોડાવા માટે સિલેક્ટર્સને યોગ્ય જણાયો નથી. T20 World Cup માટેની ભારતીય ટીમમાં સામેલ હોય અને IPL Playoffs પણ રમતા હોય એવા સહુથી વધુ ત્રણ ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સના છે. સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો હિસ્સો છે. રોયલ્સ પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે.

તો ટેબલ પર ચોથું સ્થાન મેળવનાર RCB તરફથી પણ ફક્ત બે ખેલાડીઓ વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ ટીમ ઇન્ડિયાનો હિસ્સો છે.

હવે જોઈએ આ સમગ્ર ચર્ચાનું બીજું પાસું. તો મુંબઈ ઇન્ડિયન્સ જે IPL 2024ના પોઈન્ટ્સ ટેબલ પર છેક છેલ્લે સ્થાને રહી છે તેના એક-બે નહીં પરંતુ 4 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને ખુદ કેપ્ટન રોહિત શર્માને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે.

હવે બાકીની IPL ટીમોના ખેલાડીઓના નામો જોઈએ જેમનું સિલેક્શન વર્લ્ડ કપ જનારી ટીમમાં થયું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (IPLમાં પાંચમું સ્થાન) – શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા

દિલ્હી કેપિટલ્સ (IPLમાં છઠ્ઠું સ્થાન) – ઋષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ

પંજાબ કિંગ્સ (IPLમાં નવમું સ્થાન) – અર્શદીપ સિંઘ

ગુજરાત ટાઈટન્સ (IPLમાં આઠમું સ્થાન) – શુભમન ગિલ (રિઝર્વ)

આ ઉપરાંત IPLમાં સાતમું સ્થાન મેળવનાર લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાંથી એક પણ ખેલાડી વર્લ્ડ કપ રમવા જનારી ટીમનો ભાગ નથી.

Back to top button