ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધ્યું, વિશ્વમાં વેચાતો દરેક સાતમો iPhone ‘મેડ ઇન ઇન્ડિયા’
- ભારતમાં iPhoneનું ઉત્પાદન થયું બમણું, આગામી વર્ષોમાં હજી વધુ વધી શકે
- મેડ ઈન ઈન્ડિયા આઈફોનની આગામી કેટલાક વર્ષોમાં થઈ શકે છે ભારે માંગ
- રિપોર્ટ અનુસાર, 2028 સુધીમાં ભારત એપલ માટે ત્રીજું સૌથી મોટું માર્કેટ બની શકે
HD ન્યૂઝ ડેસ્ક, 20 મે: એપલે ભારતમાં iPhoneનું ઉત્પાદન બમણું કર્યું છે. વિશ્વમાં વેચાતો દરેક 7મો આઇફોન ભારતમાં બને છે એટલે કે મેડ ઇન ઇન્ડિયા છે. પીએમ મોદીએ રવિવારે આપેલા ઈન્ટરવ્યુમાં આ જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન ઝડપથી વધ્યું છે. હાલમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ દેશ બની ગયો છે.
સાત iPhoneમાંથી એક આઈફોન બની રહ્યા છે ભારતમાં
પીએમ મોદીએ કહ્યું કે એટલું જ નહીં, દુનિયાભરમાં વેચાતા દર 7માંથી 1 આઈફોન તો ભારતમાં જ બનાવવામાં આવે છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ માટે આપવામાં આવેલી PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમને કારણે આ બધું શક્ય બન્યું છે. એવો અંદાજ છે કે 2028 સુધીમાં વિશ્વમાં વેચાતા iPhonesમાંથી 25 ટકા ભારતમાં બનશે.
મેડ ઈન ઈન્ડિયા આઈફોનની યુઝર્સમાં ભારે માંગ છે. એપલે ભારતમાં વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ શિપમેન્ટ હાંસલ કર્યું છે. ભારતમાં iPhoneના વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો થયો છે. ભારત સરકારની PLI સ્કીમને કારણે એપલ ભારતમાં ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટે સ્થાનિક વિક્રેતાઓનો સંપર્ક કરી રહી છે, જેથી ચીન પરની નિર્ભરતાનો અંત લાવી શકાય.
આગામી ત્રણ વર્ષમાં ભારત બનશે એક મોટું બજાર
Apple ભારતમાં લાખો iPhonesનું ઉત્પાદન કરીને રોજગારીની તકો પણ ઉભી કરી રહી છે. એપલે આ વર્ષે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટર સુધી ભારતમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે. આગામી બેથી ત્રણ વર્ષમાં ભારત એપલ માટે ત્રીજું સૌથી મોટું બજાર બની શકે છે. Appleએ 2023માં ભારતમાં રેકોર્ડ 10 મિલિયન iPhone મોકલ્યા છે.
હાલમાં ભારતમાં 850 મિલિયન એટલે કે 85 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. આવનારા કેટલાક વર્ષોમાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 1 અબજ એટલે કે 100 કરોડ સુધી પહોંચી શકે છે. કાઉન્ટરપોઇન્ટ અને IDCના તાજેતરના બજાર અહેવાલો અનુસાર, Appleએ ભારતીય બજારમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. વિશ્વના અન્ય દેશની સરખામણીમાં ભારતમાં iPhoneની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: પતંજલિની સોનપાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થતાં 3 લોકોને સજા-દંડ