IPL-2024વિશેષસ્પોર્ટસ

જાણો RCBનો પ્લેઓફ્સનો અત્યાર સુધીનો ઈતિહાસ!

Text To Speech

20 મે, અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એક એવી ટીમ છે જે આમતો કાયમ મજબૂત અને સુપર સ્ટાર્સ ધરાવતી ટીમ મેદાનમાં ઉતારતી હોય છે પરંતુ આજ સુધી તેણે એક પણ વખત IPL ટ્રોફી જીતી નથી. પરંતુ એવું પણ નથી કે RCB ક્યારેય પ્લેઓફ્સમાં પણ નથી પહોંચી. શું તમારે જાણવું છે કે RCBનો પ્લેઓફ્સનો અત્યારસુધીનો શો ઈતિહાસ છે? ચાલો જાણીએ.

2008માં જ્યારથી IPL શરુ થઇ છે ત્યારથી જ RCB આ ટુર્નામેન્ટનો ભાગ છે. પરંતુ પહેલા વર્ષે તેને પ્લેઓફ્સમાં પહોંચવાની તક નહોતી મળી એટલું જ નહીં પરંતુ તે પોઈન્ટ્સ ટેબલ પર છેક છેલ્લા સ્થાને રહ્યું હતું. બીજે વર્ષે ટીમે પોતાનું કૌવત દેખાડ્યું અને છેક ફાઈનલ સુધી પહોંચી ગઈ. આ વખતે IPL સાઉથ આફ્રિકામાં રમાઈ હતી અને જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઈનલમાં RCB ડેક્કન ચાર્જસ સામે હારી ગયું હતું.

2011માં ફરીથી RCB ફાઈનલમાં પહોંચ્યું પરંતુ આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ વર્ષ પ્લેઓફ્સ માટે ક્વોલીફાય ન થયા બાદ 2015માં ફરીથી RCBને પ્લેઓફ્સમાં રમવાની તક મળી પરંતુ આ વખતે બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે તેને હરાવી દીધું હતું.

2016નું વર્ષ IPLમાં વિરાટ કોહલીના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિરાટ કોહલીએ એ આખી સિઝનમાં 973 રન્સ બનાવ્યા હતા જે આજે પણ એક રેકોર્ડ છે. આ વર્ષે પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઈનલ સુધી પહોંચી ગયા હતા પરંતુ તેમને સન રાઈઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

2016 બાદ છેક 2020માં ફરીથી RCB પ્લેઓફ્સમાં પહોંચ્યું અને પછી 2021 અને 2022માં પણ તેણે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના પ્લેઓફ્સમાં પોતાની જગ્યા બનાવી પરંતુ ફાઈનલ સુધી પહોંચવામાં તે ફરીથી અસફળ રહ્યું હતું.

આમ RCBનો પ્લેઓફ્સનો અત્યારસુધીનો રેકોર્ડ કોઈ ખાસ આશા જન્માવે તેવો નથી. RCB એક એવી ટીમ છે જેમાં ભરપૂર સુપર સ્ટાર્સ હોય છે, તેમાં ટેલેન્ટની પણ કમી નથી પરંતુ તેમ છતાં તે આટલી સિઝન્સમાં એક પણ ટ્રોફી જીતી નથી શક્યું. કારણ ગમે તે હોય પણ ટીમ મેનેજમેન્ટને જાણે કે ટીમ IPL જીતે તેમાં ખાસ રસ જ નથી એવું લાગે છે.

આ બાબત થોડી વિચિત્ર લાગે પરંતુ જો તમે IPLની ફ્રેન્ચાઈઝીઓના હિસાબકિતાબ જોશો તો ખ્યાલ આવશે કે RCBએ આ ટુર્નામેન્ટની સહુથી વધુ કમાતી ટીમોમાંથી એક છે. આવામાં મેનેજમેન્ટને ટ્રોફી કરતાં કમાણીમાં વધુ રસ હોય એ શક્ય છે.

Back to top button