વરરાજાની ગાડીમાંથી બંદૂકની અણીએ દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ
દાહોદઃ 20 મે 2024, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા બાબતે ફરી સવાલો ઉભા થયાં છે. દાહોદના ભાટીવાડા ગામના રોહિત અમલીયારની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી. ત્યારે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી. તે દરમિયાન અધવચ્ચે જ 20થી 25 લોકોનું ટોળું બાઈક પર આવી પહોંચ્યું હતું. વરરાજાની ગાડીને ઓવરટેક કરીને બંદૂક બતાવી દુલ્હનનું અપહરણ કરી લીધું હતું. બેથી ત્રણ લોકોએ વરરાજાની ગાડીની ચાવી કાઢી લીધી હતી. આરોપીઓએ દુલ્હનને ઢસડીને બાઈક પર બેસાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં બે આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે.
20થી 25 લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદના ભાટીવાડા ગામના રોહિત અમલીયારની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી. ત્યારે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી. તે દરમિયાન અધવચ્ચે જ 20થી 25 લોકોનું ટોળું બાઈક પર આવી પહોંચ્યું હતું. વરરાજાની ગાડીને ઓવરટેક કરીને બંદૂક બતાવીને બેથી ત્રણ લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી. જે બાદ દરવાજો ખોલીને દુલ્હન ઉષાને ઢસડીને બાઈક પર બેસાડી દીધી હતી.વરરાજા સહિત જાનૈયાઓ કઈ સમજે તે પહેલા તો તેઓ દુલ્હનને ઉઠાવી ગયા હતા.વરરાજા રોહિત અમલીયારે જણાવ્યું હતું કે, ભાટીવાડાથી અમે મારી જાન જાલાપડા ગામ લઈ ગયા હતા. જ્યા અમે ફેરાફરીને ત્યાથી નિકળ્યા હતા. ત્યારે નવાગામ ચાર રસ્તા પર 20થી 25 લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. તેઓએ અમારી ગાડીને ઓવરટેક કરીને સામે તેઓની ગાડીને ઉભી રાખી હતી. જે બાદ રિવોલ્વર બતાવીને મારી દુલ્હનને લઈ ગયા હતા.
દરવાજો ખોલીને બે ત્રણ લોકો દુલ્હનને ઢસડીને ઉઠાવી ગયા
વરરાજાના સંબંધીઓએ જણાવ્યું કે, અમે જાન લઈને ગયા હતા 6 વાગ્યા સુધીમાં લગ્ન પુરા થઈ ગયા હતા. અમે દુલ્હનને લઈને જતા હતા. ત્યારે નવાગામ ચોકડી પાસે આરોપીઓએ ઓવરટેક કરીને કહ્યું કે, તમે લોકો અકસ્માત કરીને આવ્યાં છો. તેમ કહીને અમને રોક્યા હતા. જે બાદ બોલેરોની ચાવી કાઢી લીધી અને રિવોલ્વર દેખાડી હતી. જેથી બધા ડરી ગયા હતા. ગાડીનો દરવાજો ખોલીને બે ત્રણ લોકો ઢસડીને દુલ્હનને ઉઠાવી ગયા હતા. તેઓ પાસે ધારિયા સહિતના હથિયારો હતા. જે બાદ તેઓ બાઈક પર જ રવાના થઈ ગયા હતા. અમારી ગાડીની ચાવી પણ લઈ ગયા હતા. જેથી અમે તેઓની પાછળ જઈ શક્યા ન હતા. ધારાસભ્યને અમે જાણ કરી હતી. જેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને વાત કરી હતી. જે બાદ અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મધ્યપ્રદેશના બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા
દાહોદના DySp જગદીશ ભંડારીએ મીડિયાને જણાવ્યું કે, ગઈકાલે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં ભાટીવાડા ગામથી જાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી. જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી. તે દરમિયાન નવાગામ ચાર રસ્તા પાસે કેટલાક બાઈક સવારોએ વરરાજાની ગાડીને આંતરી લીધી હતી. જે બાદ દુલ્હનને બાઈક પર બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. આ મામલે વરરાજાના પરિવાર તરફથી નામજોગ 4 લોકો તેમજ અન્ય લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તેમજ શંકમંદોની પૂછપરછ હાથ ધરી હતી. જેથી તમામ લોકોના નામ પોલીસને મળી આવ્યાં છે. આ પૈકી બે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યાં છે. જે આરોપીઓ છે તે મધ્યપ્રદેશના છે.