IPL પછી રમાતા T20 World Cupમાં ટીમ ઇન્ડિયા ફૂસ્સ થઇ જાય છે
20 મે, અમદાવાદ: ઈતિહાસ એવું કહે છે કે IPL પછી રમાતા T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન હંમેશાં નિરાશાજનક જ રહ્યું છે. જો કે 2007ના સહુથી પહેલા T20 વર્લ્ડ કપ બાદ આપણી ટીમે એક પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતી નથી આથી આ રીતે કોઈ સરખામણી કરવી તે કેટલી યોગ્ય છે તે અંગે પણ વિચાર કરવો પડે. તેમ છતાં ચાલો આપણે નજર નાખીએ કે એવા ત્રણ કયા T20 World Cups છે જે IPLના પૂર્ણ થયાના તુરંત બાદ આયોજિત થયા હતા અને તેમાં ટીમ ઇન્ડિયા સફળ રહી ન હતી.
2009માં સાઉથ આફ્રિકા સામે હાર સાથે વિદાય
2009માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત બીજા રાઉન્ડમાંવેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે હારી જઈને ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું. આ વર્લ્ડ કપ 6 જૂને શરુ થયો હતો જ્યારે એ વર્ષની IPL 24 મે ના દિવસે પૂરી થઇ હતી. આ ટુર્નામેન્ટમાં યુવરાજ સિંહ બેટિંગ સાથે અને પ્રજ્ઞાન ઓઝા અને ઝહિર ખાન બોલિંગ સાથે ઝળક્યા હતા.
2010માં પણ બીજા રાઉન્ડમાંથી જ વિદાય
આ વર્ષે વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝમાં રમાયો હતો. તે વખતે IPL 25 એપ્રિલે પૂર્ણ થઇ હતી અને વર્લ્ડ કપ 1 મે ના દિવસે શરુ થયો હતો. પહેલાં રાઉન્ડમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાને હરાવીને ભારત બીજા રાઉન્ડમાં પહોંચ્યું હતું. પરંતુ અહીં તે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે હારીને ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું. આ વખતે આશિષ નહેરા, અને સુરેશ રૈનાએ અનુક્રમે બોલિંગ અને બેટિંગમાં ભારતની લાજ રાખી હતી.
2021માં પણ એજ થયું
2021માં કોવિડને કારણે IPL ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઇ હતી. 15 ઓક્ટોબરે IPL પૂરી થઇ અને 24 ઓક્ટોબરે T20 World Cup શરુ થઇ હતી. પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે અને પછી ન્યૂઝીલેન્ડ સામે ભારત હારી ગયું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાન, સ્કોટલેંડ અને નામિબિયા સામેની મેચો જીતવા છતાં ભારત સેમીફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. આ વખતે કેએલ રાહુલ, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ ટીમ તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
તો ઈતિહાસ સાક્ષી છે કે IPL પછી રમાતા T20 World Cupમાં ભારત સારો દેખાવ કરી શકતું નથી. આ ઘટના ત્રણ વખત બની છે અને ત્રણેય વખત ભારત સેમીફાઈનલ સુધી પહોંચી શક્યું નથી. આ વખતે પણ IPL પૂરી થવામાં અને T20 World Cup શરુ થવામાં ફક્ત એક અઠવાડિયાનું જ અંતર છે, એવામાં ટીમ ઇન્ડિયા શું કરશે તેની ચિંતા તમામ ક્રિકેટ ફેન્સને જરૂર હશે.