દાહોદ પાસે કાળીડેમમાં ઈજનેરી કોલેજના 4 વિદ્યાર્થીઓના પગ લપસતાં ડેમમાં પડ્યાં; ત્રણને સ્થાનિકોએ બચાવ્યાં, એકનું મોત
દાહોદ તાલુકામાં આવેલા કાળીડેમમાં ઈજનેર કોલેજમાં અભ્યાસ કરતાં 6 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. જ્યાં 4 વિદ્યાર્થીઓના પગ લપસતાં ડેમમાં પડી જતાં ચાર પૈકી એક યુવકનું ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણને સ્થાનિકોએ બચાવી લીધા છે.
3ને સ્થાનિકોએ હેમખેમ બચાવ્યાં, 1નું મોત
આજરોજ દાહોદની ઈજનેર કોલેજમાં અભ્યાસ કરતાં 6 વિદ્યાર્થીઓ દાહોદ નજીક આવેલા કાળીડેમ ખાતે ફરવા ગયાં હતાં. આ દરમિયાન ચાર વિદ્યાર્થીઓ ડેમની આસપાસ હતાં તે સમયે ચાર વિદ્યાર્થીઓના પગ લપસતાં ચારેય વિદ્યાર્થીઓ ડેમના પાણીમાં પડી ગયાં હતાં. સ્થળ પર બૂમાબુમ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં અને ડૂબી રહેલા 4 વિદ્યાર્થીઓ પૈકી 3ને હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં હતાં. પરંતુ એક વિદ્યાર્થી ડેમના પાણીમાં ઉંડે સુધી ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ભારે શોધખોળ બાદ મૃતક યુવકનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતકના પરિવારમાં માતમ છવાયો
મળતી માહિતી પ્રમાણે, મૃતક દાહોદમાં ચાકલીયા રોડ પર આવેલી શ્યામલ સોસાયટીમા રહેતો હતો. જેનું નામ છાયાંક નરેશકુમાર નલવાયા છે. યુવાન વિદ્યાર્થીના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર પોલીસ પણ દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગને જાણ થાય તે પહેલાં જ સ્થાનિકોએ બચાવ કામગીરી પૂર્ણ કરી દીધી હતી.