ટોપ ન્યૂઝનેશનલફૂડબિઝનેસ

પતંજલિની સોનપાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થતાં 3 લોકોને સજા-દંડ

Text To Speech

નવી દિલ્હી, 19 મે : ઉત્તરાખંડની એક અદાલતે પતંજલિ એલચીની સોનપાપડી બનાવવામાં ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ લોકોને છ મહિનાની જેલની સજા ફટકારી છે. આસિસ્ટન્ટ પ્રોસિક્યુશન ઓફિસર રિતેશ વર્માએ જણાવ્યું હતું કે શનિવારે પિથોરાગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સંજય સિંહે જેલની સજા ઉપરાંત તેમના પર 5,000 થી 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વર્માએ કહ્યું કે કોર્ટે પિથોરાગઢના બેરીનાગ શહેરના દુકાનદાર લીલાધર પાઠકને ઉત્પાદન વેચવા બદલ છ મહિનાની જેલની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પતંજલિના અધિકૃત પ્રતિનિધિ, રામનગર, નૈનીતાલના કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રાઈવેટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર અજય જોશીને છ મહિનાની જેલની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમારને 25,000 રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમણે કહ્યું કે ત્રણેયને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

વધુમાં વર્માએ જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ પાઠકની દુકાનમાંથી પતંજલિ એલચી નવરત્ન સોનપાપડીના નમૂનાઓ એકત્ર કર્યા પછી, તેઓને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રાષ્ટ્રીય પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. 2021 માં આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે નમૂનાઓ ખાદ્ય સુરક્ષા ધોરણોને અનુરૂપ નથી.

ઉલ્લેખનીય છે કે, પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નવી નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે પતંજલિને પૂછ્યું છે કે જે દવાઓનું લાઇસન્સ બજારમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે દવાઓને પરત મંગાવવાની શું યોજના છે? કોર્ટે નોટિસનો જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. દરમિયાન ગયા મહિને, ઉત્તરાખંડના ડ્રગ કંટ્રોલ વિભાગના લાયસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો.

Back to top button