IPL-2024T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

IPL શેડ્યુલની ટીકા કરતો હરભજન; કુંબલેને કોઈ વાંધો નથી

Text To Speech

19 મે, મુંબઈ: ભારતીય ટીમના બે દિગ્ગજ સ્પિન બોલર્સ હાલમાં એક મુદ્દે આમનેસામને આવી ગયા છે. પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંઘે IPL શેડ્યુલની ટીકા કરી છે જ્યારે પૂર્વ લેગ સ્પિનર અનીલ કુંબલેએ આ શેડ્યુલમાં કોઈ વાંધો ન હોવાનું કહ્યું છે.

હરભજન સિંઘનું કહેવું છે કે તેને એવું લાગી રહ્યું છે કે BCCIએ IPL શેડ્યુલ બનાવતી વખતે આવનારા T20 વર્લ્ડ કપની તારીખોનું ધ્યાન રાખ્યું નથી. IPL શેડ્યુલની ટીકા કરતા હરભજને કહ્યું છે કે બહેતર એ રહેત કે IPLની ફાઈનલ અને ભારતની આયરલેન્ડ સામેની આ વખતના T20 World Cupની પ્રથમ મેચ વચ્ચે ઓછામાં ઓછા 15 દિવસનો ગેપ હોત. પરંતુ IPLના ખરાબ શેડ્યુલિંગને કારણે આ શક્ય બન્યું નથી.

હરભજને આગળ કહ્યું હતું કે અત્યારે જે જે ટીમો IPLના પ્લેઓફ્સમાં ક્વોલીફાય નથી થઇ શકી તેના ખેલાડીઓ પહેલા અમેરિકા પહોંચવાના છે જ્યારે જે ટીમો પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઇ છે તેના ખેલાડીઓ IPL 2024 Final પૂરી થવાની સાથે જ અમેરિકા જવા રવાના થશે. આ કારણસર સમગ્ર ટીમ એક સાથે લાંબો સમય ગાળી નહીં શકે જે ટીમ માટે નુકસાનકારક બને તે શક્ય છે.

હરભજનનું માનવું છે કે જો સમગ્ર ટીમ પંદર દિવસ અગાઉ અમેરિકા  પહોંચી ગઈ હોત તો તેને સાથે રહીને આવનારા વર્લ્ડ કપ માટેની રણનીતિ તૈયાર કરવામાં મદદ મળી હોત ઉપરાંત ટીમના ખેલાડીઓ વચ્ચેનું બોન્ડીંગ વધુ મજબૂત બની શક્યું હોત.

તો હરભજન સિંઘના આ વિચાર સાથે અનીલ કુંબલે અસહમત છે. હાલમાં IPLનું લાઈવ ટેલીકાસ્ટ કરી રહેલી ચેનલ સાથે ચર્ચા કરતા કુંબલેએ કહ્યું હતું કે ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ઓછામાં ઓછી 14 અને વધુમાં વધુ 16-17 IPL મેચો રમીને અમેરિકા જવાના છે, જે  વર્લ્ડ કપની તૈયારી માટે પૂરતી મેચો છે. વર્લ્ડ કપ પહેલાં આટલી મોટી સંખ્યામાં T20 મેચો રમવા મળે તેનો મતલબ જ એ છે કે તમે પૂરતી તૈયારીઓ કરી ચૂક્યા છો. આમ થવાથી તમે વર્લ્ડ કપમાં આવનારા કોઈ પણ પ્રકારના દબાણથી પહેલેથી જ તૈયાર છો. આનાથી વધુ સારી તૈયારી બીજી કોઈજ ન  હોઈ શકે.

આવનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ બે બેચમાં અમેરિકા જવા રવાના થવાની છે.

Back to top button