IPL-2024ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

RCB ફેન્સે CSK ફેન્સને અપશબ્દો કહ્યા, અભદ્રતા દર્શાવી

Text To Speech

19 મે, બેંગલુરુ: ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક દિલધડક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી દીધા હતા. આ જીતને કારણે RCB આ વર્ષના IPL પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઇ ગયું છે. પરંતુ મેચ પત્યા બાદ સ્ટેડિયમની બહાર અને બેંગલુરુ શહેરના અમુક સ્થળોએ RCB ફેન્સે CSK ફેન્સને અપશબ્દો કહ્યા હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં અમુક RCB ફેન્સે તો મેચ પત્યા બાદ પોતાના ઘરે જઈ રહેલા CSK ફેન્સને અભદ્ર ઈશારા કર્યા હોવાનું તેમજ તેમના પર શારીરિક રીતે હુમલો કરવાના પ્રયાસો કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સોશિયલ મીડિયા સાઈટ X ઉપર Cricketopia નામના હેન્ડલ દ્વારા કેટલાંક CSK ફેન્સની પોસ્ટના સ્ક્રિનશોટ્સ શેર કરવામાં આવ્યા હતા. આ સ્ક્રિનશોટ્સમાં CSK ફેન્સ ઉપર RCB ફેન્સ દ્વારા થયેલા શારીરિક અને શાબ્દિક હુમલાની વાત સ્પષ્ટ જણાવવામાં આવી છે.

એની સ્ટિવ નામની CSK ફેન પોતાનો અનુભવ જણાવતા કહી રહી છે કે. ‘સ્ટેડિયમની બહાર CSKની જર્સી પહેરીને ફરવું એ જાણે કે ગુનો બની ગયું છે. RCB ફેન્સ દ્વારા અમારા પર દાદાગીરી થઇ રહી છે, કેટલાક તો દારૂ પીધેલા હોય એવું લાગે છે અને તેઓ અમને અપશબ્દો પણ કહી રહ્યા છે. કોઈ એક વ્યક્તિ તો રોડ ઉપર ઝડપથી કાર દોડાવીને લોકોને ડરાવી રહ્યો છે.’

માન્યા કહે છે કે RCB ફેન્સનું વર્તન ડરાવનારું છે. એક વ્યક્તિ મારી નજીક આવીને મારી આંખમાં પોતાની આંગળીઓ ભરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જ્યારે મુકુલનું કહેવું છે કે રસ્તા ઉપર RCB ફેન્સ CSK ફેન્સને જોઇને તેમનો હાથ પકડી લે છે અને તેમના ઉપર શારીરિક હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તમામે શરાબ પીધો હોય તેવું લાગી રહ્યું છે. અમુક તો CSK ફેન્સ ઉપર સળગતા ફટાકડા ફેંકી રહ્યા છે.

એક અન્ય હેન્ડલ ધરાવતી યુવતિનું પણ કહેવું છે કે RCB ફેન્સ CSK ફેન્સ નજીક જઈને તેમની સામે જોર જોરથી રાડો પાડીને તેમને હેરાન કરી રહ્યા છે. અમે બે છોકરીઓ છીએ અને અમે માંડ માંડ કેબ ભાડે કરીને અમારા ઘરે પહોંચી.

હજી તો RCB પ્લેઓફ્સ માટે ક્વોલીફાય થઇ છે ત્યારે RCB ફેન્સે CSK ફેન્સને અપમાનિત કર્યા છે, જો તેઓ IPL ટ્રોફી જીતશે તો શું કરશે?

Back to top button