18 મે, બેંગકોક: ભારતના સ્પોર્ટ્સમેન આજકાલ દરેક રમતમાં પોતાનો ઝંડો ઉપર લઇ જઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે ભારત ક્રિકેટ સિવાય અન્ય કોઇપણ રમતમાં આગળ ન હતું, પરંતુ હવે ક્રિકેટ અને હોકી સિવાય બેડમિન્ટનમાં પણ ભારતીય ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. ભારતની બેડમિન્ટનની નંબર 1 ડબલ્સ પેર સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડ ઓપનની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ચાઇનીઝ તાઈપેઈની જોડી લુ મિંગ ચી અને તાંગ કાઈ વેઈને બેન્ગકોકમાં ટુર્નામેન્ટની અત્યંત મહત્વની એવી સેમીફાઈનલ મેચમાં સરળતાથી હાર આપી હતી.
થાઈલેન્ડ ઓપનને બેડમિન્ટનની દુનિયાની શ્રેષ્ઠ સુપર 500 સિરીઝમાં ગણના થાય છે. આથી આ ટુર્નામેન્ટમાં કરેલા સારાં દેખાવની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવતી હોય છે.
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી અગાઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેમણે ચાઇનીઝ તાઈપેઈની જોડીને ફક્ત 35 મિનિટમાં જ હાર આપી હતી. ભારતીય જોડીએ આ વિજય 21-11, 21-12 એમ બે સીધા સેટમાં મેળવ્યો હતો.
આવતીકાલે થાઈલેન્ડ ઓપનની ફાઈનલમાં વર્લ્ડ નંબર 3 ભારતીય જોડી ચાઇનીઝ જોડી સામે ટકરાશે. ચીનના ચેન બો યાંગ અને લ્યુ લી ની આ ચીની જોડીએ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં સાઉથ કોરિયાની જોડી કિમ જી જોંગ અને કિમ સા રોંગને 21-19 અને 21-18થી હરાવી હતી.
પહેલી ગેમથી જ ભારતીય જોડીએ મેચ પર પોતાનો કબજો મેળવી લીધો હતો. તેમણે પોતાના વિરોધીઓને ગેમમાં પરત થવાનો એક મોકો પણ આપ્યો ન હતો. બીજી ગેમમાં ચાઇનીઝ તાઈપેઈની જોડી સામે થોડા ઘણા ઉતાર ચડાવ આવ્યા હતા પરંતુ છેવટે ભારતીય જોડીએ ફક્ત 35 મિનીટમાં આખી મેચ જીતી લીધી હતી.
ફાઈનલમાં ભારતીય જોડીની રાહ આસાન નહીં રહે, પરંતુ જે રીતે સંઘર્ષ કરીને ચીની જોડીએ વિજય મેળવ્યો છે અને જેટલી સરળતાથી ભારતીય જોડીએ વિજય મેળવ્યો છે, ફાઈનલમાં ભારતીય જોડીનું પલ્લું ભારે રહે તેવી પૂરી શક્યતા છે.
પુરુષો સાથે ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડીઓની જોડીએ પણ આ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો છે. ભારતની તનીષા કાર્સ્ટો અને અશ્વિની પોનપ્પા થાઈલેન્ડની જોડી જોંગકોલફાન કિટીથારાકુલ અને રવિન્ડા પ્રાજોંગજાઈ સામે સેમીફાઈનલમાં ટકરાશે.
ક્વાર્ટર ફાઈનલમાં ભારતની મહિલા જોડીએ સાઉથ કોરિયાની જોડી લી યુ લીમ અને શેન સ્યુંગ ચાનને 21-15, 21-23,અને 21-19થી હરાવી હતી.