- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પશ્ચિમ ક્ષેત્ર, સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો કર્ણાવતી ખાતે પ્રારંભ
- શ્રી નરનારાયણ દેવ ગાદી સંસ્થાનના આચાર્ય પ. પૂ. ૧૦૦૮ મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે ભારતમાતા સન્મુખ દીપ પ્રાગટ્ય સાથે વર્ગનો પ્રારંભ થયો
અમદાવાદ, 18 મેઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેના જ ભાગરુપે તા. 17મી મે થી 1 જુન 2024 સુધી સંસ્કધામ, કર્ણાવતી ખાતે 15 દિવસીય સંઘ શિક્ષા વર્ગ (વિશેષ) નો પ્રારંભ થયો છે. આ વર્ગમાં મુખ્યત્વે 40 વર્ષથી 65વર્ષ આયુના સ્વયંસેવકો ભાગ લેતા હોય છે.
આ વર્ષે શ્રી નરનારાયણ દેવ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. ૧૦૦૮ મહારાજ કૌશ્લેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે ભારતમાતા સન્મુખ દીપ પ્રાગટ્ય સાથે આ સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો હતો. આ વર્ગમાં 280 શિક્ષાर्थी, 29 શિક્ષક તથા 47 પ્રબંધક 17 મે થી 1 જુન 2024 સુધી પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે.
આ બાબતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આ વર્ગના વર્ગધિકારી તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના સદભાવ કાર્ય સંયોજક ત્રિકમભાઈ છાંગા છે જ્યારે વર્ગ કાર્યવાહ તરીકે ગુજરાત પ્રાંત વ્યવસ્થા પ્રમુખ ભીખુભાઈ સુથારની વરણી થયેલી છે. નોંધપાત્ર છે કે, વર્ગના મુખ્ય શિક્ષક તરીકે મહેસાણા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ પ્રવીણસિંહ ગોહિલ પૂર્ણ સમય સેવા આપી રહ્યા છે.
15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે 4.30 થી રાત્રી 10.15 સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન થશે. 15 દિવસ વર્ગમાં મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રનો ઉપયોગની અનુમતિ નથી હોતી.
વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાત સહિત દેશભરની મદ્રેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરી અંગે તપાસ