IPL-2024ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

MIની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા બેન થયો; જાણો કેવી રીતે થશે અમલ

18 મે, મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એક મેચ માટે બેન થયો છે. ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમતા સ્લો ઓવર રેટને કારણે હાર્દિક દંડાયો છે. પરંતુ પ્રશ્ન અહીં એ છે કે મુંબઈ ઇન્ડિયન્સ તો ગઈકાલે આ સિઝનની પોતાની છેલ્લી મેચ રમ્યા છે તો પછી હાર્દિક પર આ એક મેચનો બેન કેવી રીતે લાગુ પડશે? તો ચાલો જાણીએ કે આ પ્રકારે જો પ્રતિબંધ લગાવવામાં આવે તો તેનો અમલ કેવી રીતે થતો હોય છે.

સામાન્ય રીતે  સ્લો ઓવર રેટના પહેલા ગુના હેઠળ કેપ્ટનની 25% મેચ ફીસ કાપવામાં આવતી હોય છે. જો ફરીથી કેપ્ટન આ જ ગુનો કરે તો તેની 50% મેચ ફીસ કાપવામાં આવે છે અને ફરીથી જો આવું થશે તો તેને બેન કરવામાં આવશે તેવી ચેતવણી પણ મેચ રેફરી આપતો હોય છે. IPLના નિયમ અનુસાર કોઇપણ બોલિંગ ટીમે પોતાની 20 ઓવર્સ 100 મિનીટ્સમાં એટલે કે દોઢ કલાક અને દસ મિનીટ્સમાં પૂરી કરી દેવાની હોય છે. આમાં ઇનિંગ દરમ્યાન ઈજા કે કોઈ અન્ય કારણોસર આવતા વિઘ્નો, બે ટાઈમ આઉટ્સ અને તમામ રિવ્યુઝ માટે લેવામાં આવતો સમય પણ સામેલ હોય છે.

હાર્દિક પંડ્યાને અગાઉ બે વખત સ્લો ઓવર રેટ માટે અનુક્રમે 25 અને 50 ટકા મેચ ફીસ કાપીને દંડિત કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે તેણે ત્રીજી વખત આ ગુનો કર્યો એટલે તે એક મેચ માટે બેન થયો છે. અગાઉ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પણ આ રીતે બેન થયો હતો અને તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ રમી શક્યો ન હતો.

પરંતુ હાર્દિક પંડ્યાની સ્થિતિ અલગ છે. મુંબઈ ઇન્ડિયન્સ ઓલ રેડી IPLની બહાર થઇ ગઈ છે અને તેની તમામ મેચો પણ રમાઈ ગઈ છે, તો આવા સંજોગોમાં હાર્દિક પંડ્યા પર બેન કેવી રીતે લાગું પડશે એ પ્રશ્ન તમામના મનમાં હોય જ. તો ચાલો આપણે આ પ્રશ્નનો સરળ જવાબ મેળવીએ.

હાર્દિક પોતાની આગામી મેચ હવે 2025માં રમશે એટલે એ સિઝનની સૌથી પહેલી મેચ જે મુંબઈ ઇન્ડિયન્સ રમશે તેમાં હાર્દિક પંડ્યા ભાગ નહીં લઇ શકે આ એક સરળ પરિસ્થિતિ થઇ. પણ ધારો કે હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ એક બીજાથી અલગ થઇ જાય અને હાર્દિક કોઈ અન્ય ટીમ માટે રમે તો? તો એ ટીમ પણ જ્યારે પોતાની પહેલી મેચ રમશે તેમાં હાર્દિક પંડ્યા બહાર બેસશે.

જો સહુથી ખરાબ પરિસ્થિતિ વિચારીએ કે હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ અલગ થઇ જાય અને હાર્દિકને કોઈ ટીમ રીટેઇન પણ ન કરે અને તે આવનારા મેગા ઓક્શનમાં અન-સોલ્ડ પણ જાય તો? તો જ્યારે પણ હાર્દિક પંડ્યા તેની આગલી IPL મેચ રમવા માટે સક્ષમ બનશે ત્યારે તેની એ સિઝનની એ મેચ જે-તે ટીમ માટે તે રમી નહીં શકે.

Back to top button