તલાલાના બુટલેગર પર પાસા હેઠળ કાર્યવાહી કરી ભૂજની જેલમાં ધકેલાયો, અસામાજિક તત્વોનો આતંક વધતા તંત્રની કડક કાર્યવાહી
તાલાલાઃ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા નવનિયુક્ત પોલીસ અધિક્ષકે કરેલ નિર્ધારને પોલીસ સ્ટાફ સાર્થક કરવા તરફ કામગીરી કરી રહ્યો છે. જેની પ્રતીતિ છેલ્લા એક અઠવાડિયામાં બે શખ્સો સામે પાસા હેઠળ થયેલી કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ કામગીરી અંતર્ગત તાલાલામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગર શખ્સને પાસા હેઠળ પોલીસે પકડી પાડી ભૂજ જેલ હવાલે કર્યો છે.
કલેક્ટરે પાસાની મંજૂરી આપી
તાલાલા ગીર વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીના કેસોમાં અનેકવાર ઝડપાયેલા બુટલેગર મકરાણી જાવીદ સલીમ બ્લોચ રહે.તાલાલા વાળાના ગુનાહિત ઈતિહાસને લઈ તાલાલા પીએસઆઈ બાંટવાએ તૈયાર કરેલી પાસા દરખાસ્તને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મારફતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી. જેને મંજૂર કરી પાસાના પાંજરે પૂરવા વોરંટ ઈસ્યુ કરતા પોલીસે બુટલેગર જાવીદ મકરાણીને ઝડપી લઈ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી ભૂજની જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.
પહેલાં પણ કાર્યવાહી કરી હતી
અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર પંથકમાં વિદેશી દારૂની હેરાફેરીના કેસોને લઈ બે શખ્સોને તથા અન્ય એક ગંભીર ગુનામાં પકડાયેલા ઉનાના શખ્સને તાજેતરમાં પોલીસે પાસામાં ધકેલી દેતા અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા શખ્સોમાં ફફડાટ પ્રસરી ગયેલ છે.