કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતફૂડ
રાજકોટ શહેર-જિલ્લાની 25% સસ્તા અનાજની દુકાનોમાં મહિનાના 20 દિવસ બાદ અનાજ પણ મળ્યું નથી !
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાની સસ્તા અનાજની અમુક દુકાનોમાં મહિનાના વીસ દિવસ વિતી ગયા બાદ પણ હજુ 100% અનાજનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયો ન હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. પુરવઠા કચેરીમાં સસ્તા અનાજના અમુક વેપારીઓ જવાબદાર કર્મચારીને આ અંગે પૂછપરછ કરી કે અનાજ કયારે આવશે ? તો જવાબ મળતો નથી. કયારેક ગ્રાહક પુરવઠા કચેરીમાં ફોન કરી અનાજ મળ્યું નથી તેમજ સડેલુ મળે છે તેવી ફરિયાદ કરે તો સામે જવાબદાર કર્મચારી ઉદ્ધત જવાબ આપી માહિતી આપવાનું ટાળી રહ્યાની ફરિયાદો ઉઠી છે.
અનાજ પહોંચાડવાની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટરોની, ન પહોંચે તો કોઈ પગલાં નહીં ?
અત્રે એ ઉલ્લેખનિય છે કે, નિગમના ગોડાઉનમાંથી દર મહિનાના તા. 15 બાદ અનાજ પહોંચાડવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. ‘ડોર સ્ટેપ ડિલિવરી’ અંતર્ગત જે રીતે દુકાનોમાં અનાજ પહોંચાડવા ખાનગી પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેની સામે બેદરકારી બદલ તંત્ર કોઇ કાર્યવાહી ન કરતા અનાજ મહિનાના 20 દિવસ કરતા વધારે સમય વિતી જવા છતાં દુકાનોમાં જથ્થો પહોંચાડવામાં આવતો નથી પરિણામે તા. 20મીથી સસ્તા અનાજની મોટાભાગની દુકાનોમાં મહિનાના અંત સુધી અનાજ મળતું નથી છતાં પુરવઠા વિભાગ દ્વારા નિગમ કે કોન્ટ્રાક્ટ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી….!
મહિના દરમિયાન અનાજ દુકાનદારને ન મળે તો પણ વેંચાણની મુદ્દત વધારાતી નથી…!
રાજકોટના મોટાભાગના સસ્તા અનાજના પરવાનેદારોની લાંબા સમયથી એકજ ફરિયાદ પુરવઠા તંત્ર સામે છે જેનું આજ દિવસ સુધી કોઇ નિરાકરણ આવતું નથી. નિગમની કે ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાક્ટની ઘોર બેદરકારીના કારણે મહિનો પૂર્ણ થવામાં પાંચ દિવસ બાકી હોય ત્યારે માંડ 60% અનાજનો જથ્થો દુકાનદારને મળે છે. બાદમાં કાર્ડધારકોને વિતરણ કરવામાં દિવસો ઓછા પડે છે આમ છતાં નવા મહિનાના પાંચ દિવસ સુધી અનાજ બાકી હોય તેવા કાર્ડધારકોને વિતરણની મંજૂરી અપાતી નથી.