અમેરિકાના ટેક્સાસમાં મોટી બોટ દુર્ઘટના, 2000 ગેલન તેલ ઢોળાયું નદીમાં
- અમેરિકામાં ટેક્સાસના ગેલ્વેસ્ટન પાસે એક ભયાનક બોટ અકસ્માત
- ટાપુને પેલિકન આઇલેન્ડ સાથે જોડતો એકમાત્ર રસ્તો બંધ
- 2000 ગેલન તેલ ઢોળવાના કારણે જળચર પ્રાણીઓના જીવ જોખમમાં
અમેરિકા,16 મે: અમેરિકામાં ટેક્સાસના ગેલ્વેસ્ટન પાસે એક ભયાનક બોટ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બ્રિજ સાથે ઈંધણ લઈ જતી બોટ અથડાયા બાદ 2,000 ગેલન તેલ પાણીમાં ઠલવાઈ જવાની આશંકા છે. યુએસ કોસ્ટ ગાર્ડે ગુરુવારે આ માહિતી આપી હતી. પેલિકન આઇલેન્ડ કોઝવે બુધવારે ટગબોટથી અલગ થયા પછી એક થાંભલા સાથે અથડાયું હતું, કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, બ્રિજ તૂટી ગયો હતો અને ટાપુને પેલિકન આઇલેન્ડ સાથે જોડતો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો.
રોડ તૂટી પડતાં વાહનોની અવરજવરને પણ અસર થઈ છે. નદીમાં 2000 ગેલન તેલ ઢોળવાના કારણે જળચર પ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. માર્ટિન મરીનના વાઇસ પ્રેસિડેન્ટ રિક ફ્રીડે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જહાજમાં 30,000 બેરલ તેલ રાખવાની ક્ષમતા છે, પરંતુ જ્યારે તે પુલ સાથે અથડાયું ત્યારે તે 23,000 બેરલ તેલ વહન કરી રહ્યું હતું.
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
કોસ્ટ ગાર્ડ કેપ્ટન કીથ ડોનોહ્યુએ જણાવ્યું હતું કે, “અમને ખાતરી છે કે અમે શરૂઆતમાં જે અંદાજ લગાવ્યો હતો તેના કરતાં ઓછું તેલ પાણીમાં ઢોળાયું છે.”તેમણે કહ્યું, “અમે 605 ગેલનથી વધુ તેલયુક્ત પાણીનું મિશ્રણ દૂર કર્યું છે ,આ ઉપરાંત, બોટની ટોચ પરથી વધારાની 5,640 ગેલન તૈલી પેદાશ મળી આવી છે જે પાણીમાં ગઈ નથી.”