17 મે, બેંગલુરુ: આવતીકાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ વર્ષની IPLની સહુથી મહત્વની મેચ રમાવાની છે. આ મેચ યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પરંતુ આ હાઈ ટેન્શન મેચ આગાઉ ચેન્નાઈના સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ RCBની ચા પીધી હોય તેવો વિડીયો વાયરલ થઇ ગયો છે.
આ વિડીયોમાં મહેન્દ્ર સિંહ ધોની RCBના ડ્રેસિંગરૂમમાં આવીને ચાનો આનંદ લઇ રહ્યો હોય તેવું જોવા મળે છે. આ વિડીયોમાં ધોનીએ RCBની ચા પીધી છે એવું સ્પષ્ટ દેખાય છે. ધોની એક તરફ ડિસ્પોઝેબલ ગ્લાસ લઈને ઉભો છે અને RCBની જર્સી પહેરેલા ટીમનો એક સભ્ય તેને ચા પીરસી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ વિડીયોને RCBએ પોતાના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કર્યો હતો જે અમુક જ મિનિટમાં વાયરલ થઇ ગયો હતો. આ વિડીયો શેર કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખ્યું છે, ‘બેંગલુરુમાં સ્વાગત છે માહી!’
View this post on Instagram
એક રીતે જોવા જઈએ તો આવતીકાલની મેચ બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ લઈને આવી છે. જો કે ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ કરતાં 2 પોઈન્ટ્સ આગળ છે, પરંતુ જો બેંગલુરુ ચેન્નાઈને 18 રને હરાવી દે અથવાતો ચેન્નાઈનો સ્કોર 18.1 ઓવર્સમાં મેળવી લે તો તેનું પ્લેઓફ્સમાં સ્થાન પાક્કું થઇ જશે અને ચેન્નાઈ ટુર્નામેન્ટની બહાર થઇ જશે.
ચેન્નાઈ અને બેંગલુરુ પહેલી સિઝનથી જ IPLમાં રમે છે અને આથી આ ટીમો વચ્ચેના તમામ મુકાબલાઓ દિલધડક હોય છે. આટલું જ નહીં પરંતુ આ મુકાબલાઓને મુંબઈ ઇન્ડિયન્સ સામેના આ બંને ટીમોના મુકાબલાઓની જેમ El Clasico તરીકે પણ ઓળખવામાં આવે છે.
IPL 2024ની પહેલી મેચ પણ ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર રમવામાં આવી હતી જેમાં ચેન્નાઈએ રોયલ ચેલેન્જર્સને હરાવી દીધા હતા. હવે પરિસ્થિતિ એવી છે કે બેંગલુરુ અને ચેન્નાઈ બંનેએ એક બીજાને આવતીકાલે હરાવવા જ પડશે અને તો જ તેઓ IPL 2024ના પ્લેઓફ્સમાં પહોંચી શકશે.
પરંતુ, આ મેચ રમાશે કે કેમ તેના પર પણ શંકા છે કારણકે આજથી આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરુમાં સતત વરસાદ પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જો આમ થશે અને મેચ ધોવાઈ જશે તો ચેન્નાઈ બેંગલુરુ કરતાં બે પોઈન્ટ્સ વધુ હોવાને કારણે પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઇ જશે.