RBIના ડેપ્યુટી ગવર્નરે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓને આપી ચેતવણી, કહી આ મહત્ત્વપૂર્ણ વાતો
- ધિરાણ વિશે નિર્ણયો લેવા માટે ‘એલ્ગોરિધમ્સ’ પર વધુ પડતી નિર્ભરતા પડકારરૂપ બની શકે છે: ડેપ્યુટી ગવર્નર
નવી દિલ્હી, 17 મે: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જાનકીરામને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs)ને ચેતવણી આપી છે. ચેતવણી આપતાં કહ્યું છે કે અસુરક્ષિત કહેવામાં આવતી એટલે કે ગેરંટી વગરની લોન અને મૂડી બજાર ધિરાણ પર વધુ પડતી નિર્ભરતા લાંબા ગાળે NBFCs માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે. અહેવાલ મુજબ, સ્વામીનાથને ગયા બુધવારે RBIની એક ઇવેન્ટમાં NBFCના એશ્યોરન્સ ફંક્શન્સ (અનુપાલન, જોખમ અને આંતરિક ઑડિટ)ને સંબોધિત કરતી વખતે પણ કહ્યું હતું કે, ધિરાણ વિશે નિર્ણયો લેવા માટે ‘એલ્ગોરિધમ્સ’ પર વધુ પડતી નિર્ભરતા પડકારરૂપ બની શકે છે.
RBIની નિરાશા પણ જાહેર થઈ
અહેવાલ મુજબ, ડેપ્યુટી ગવર્નરે “નિયમોની અવગણના” કરવા માટે નિયમોના “વિવેકપૂર્ણ વિશ્લેષણ”ના અભિગમ પર આરબીઆઈની પણ નિરાશા જાહેર કરી હતી. તેમણે તેને નાણાકીય વ્યવસ્થા માટે ‘મહત્ત્વપૂર્ણ જોખમ’ ગણાવ્યું હતું. સ્વામીનાથને કહ્યું હતું કે, કેટલાક ઉત્પાદનો અથવા અસુરક્ષિત લોન જેવા ક્ષેત્રો માટેના જોખમો ખૂબ ઊંચા છે અને તે લાંબા ગાળા સુધી ટકાઉ નથી. એવું લાગે છે કે મોટા ભાગની NBFCs આ જ વસ્તુ કરવાની ઈચ્છા ધરાવે છે. જેમ કે છૂટક અસુરક્ષિત લોન, ‘ટોપ અપ’ લોન અથવા મૂડી બજાર ધિરાણ. આવા ઉત્પાદનો પર વધુ પડતી નિર્ભરતા આગળ જઈને સમસ્યાઓ ઊભી કરી શકે છે.
‘એલ્ગોરિધમ આધારિત’ લોન પર શું કહ્યું હતું?
સ્વામીનાથને એલ્ગોરિધમ આધારિત ધિરાણના મુદ્દા પર કહ્યું હતું કે, ઘણી સંસ્થાઓ તેમના વહી-ખાતામાં ઝડપથી વધારો કરવા માટે નિયમ આધારિત ‘ક્રેડિટ’ના અભિગમ તરફ વળે છે. ડેપ્યુટી ગવર્નરે એમ પણ કહ્યું કે, ઓટોમેશન કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે, ત્યારે NBFCsએ પોતાને આવા મોડલ સાથે જોડવું જોઈએ નહીં. તે ઓળખવું અગત્યનું છે કે નિયમો આધારિત ધિરાણ પ્રણાલીઓ માત્ર એટલી જ અસરકારક છે જેટલા ડેટા અને માપદંડો જેના પર તે બનાવવામાં આવે છે. સ્વામીનાથને જણાવ્યું હતું કે, ખાસ કરીને ઉભરતા બજારની પરિસ્થિતિઓમાં ઐતિહાસિક ડેટા અથવા અલ્ગોરિધમ્સ પર વધુ પડતી નિર્ભરતાથી લોન મૂલ્યાંકનમાં ભૂલો થઈ શકે છે.
સાયબર સુરક્ષા જોખમો પર ધ્યાન આપો
જાનકીરામને NBFCsને તેમની ક્ષમતાઓ અને મર્યાદાઓ પ્રત્યે સ્પષ્ટ દૃષ્ટિકોણ જાળવી રાખવા અને મોનિટરિંગ મિકેનિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. NBFCsને સાયબર સુરક્ષા જોખમો પર પૂરતું ધ્યાન આપવા પણ કહ્યું. ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે, જોખમ વ્યવસ્થાપન અને આંતરિક ઓડિટ કાર્યોને કૌશલ્યના માપદંડો પર કડક બનાવવાની જરૂર છે જેથી તેઓ સમયાંતરે IT અને સાયબર સુરક્ષા અંગે તેમની સંસ્થાઓની સજ્જતાનું મૂલ્યાંકન કરી શકે.