એજ્યુકેશનગુજરાતચૂંટણી 2022

ધો.9થી12ની એકમ કસોટી માટે શિક્ષણ વિભાગે લીધો આ નિર્ણય

Text To Speech
કોરોનાકાળ બાદ આ વર્ષથી રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરૂ થયું છે. જેના પગલે શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ કસર બાકી ન રહી જાય તેના ઉપર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક બાદ એક નવા ફતવાઓ/પરિપત્રો બહાર પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અવઢવમાં મુકાયા છે.
એકમ કસોટી મામલે શિક્ષણ વિભાગે ફેરવી તોળ્યુ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ ચાલુ થઈ તે પહેલાં ગત ફેબ્રુઆરી મહિનામાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે પરિપત્ર મુજબ ધો.9થી12ની એકમ કસોટી માટેના પ્રશ્નપત્ર જેતે શાળાએ તૈયાર કરવાના રહેશે પરંતુ શિક્ષણ વિભાગને ફરી શું શુરાતન ઉપડ્યું કે 19 જુલાઈએ ફરીવાર પરિપત્ર કરીને એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ તૈયાર કરીને મોકલશે તેવો નિર્ણય કરીને નવો ફતવો શાળાઓને મોકલ્યો છે.
આવતા સપ્તાહે એકમ કસોટી, એક-એક કલાકના બે સેશન
મહત્વનું છે કે, ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ એકમ કસોટી 27 જુલાઈના રોજ લેવાનો નિર્ણય કર્યો છે.એકમ કસોટી એક જ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જેના પગલે 1-1 કલાકના બે સેશનમાં એકમ કસોટીનું આયોજન કરવા માટે સૂચના અપાઈ છે. જેને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના સંચાલકો અને શિક્ષકો મુંઝવણમાં મુકાયા છે.
પેપરલીકની ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રખાઈ
દરવર્ષે એકમ કસોટીના પ્રશ્નપત્રો લીક થઈ જતા હોવાની અનેક ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે આ વખતે શિક્ષણ વિભાગ હાઈટેક બન્યું છે અને એકમ કસોટીના પ્રશ્નપત્રો લીક ન થાય તે માટે પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રશ્નપત્ર ઈ-મેઈલ પર મોકલાશે અને નોડલ ઓફીસરને વોટ્સએપ પર પાસવર્ડ અલગથી મોકલવામાં આવશે. પ્રથમ એકમ કસોટીમાં જૂન અને જુલાઈ માસનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
બે દિવસ પહેલા પેપર આવશે, એક દિવસ પહેલા પાસવર્ડ મળશે
પ્રથમ એકમ કસોટી માટે ધોરણ-9થી 12ના દરેક ધોરણ માટે 2 વિષયોના પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. પ્રથમ એકમ કસોટી માટે જૂન અને જુલાઈ માસના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા એકમ કસોટીના પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રશ્નપત્રો 25 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં ડીઈઓના ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવશે. જેનો પાસવર્ડ 26 જુલાઈના રોજ નોડલ અધિકારીને વોટ્સએપ મારફતે મોકલવામાં આવશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ પ્રશ્નપત્રો જિલ્લાના તમામ કન્વીનરોને ઈ-મેઈલ એડ્રેસ પર 26 જુલાઈના રોજ મોકલવાના રહેશે. જેથી તે જ દિવસે કન્વીનગર દ્વારા સ્કૂલના આચાર્યોને ઈ-મેઈલ દ્વારા એકમ કસોટીના પ્રશ્નપત્રો મોકલવાના રહેશે.
એકમ કસોટી ફરજીયાત, ક્યાં વર્ગમાં ક્યાં પેપર લેવાશે ?
રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં ફરજિયાત એકમ કસોટી યોજવાની રહેશે. શાળાઓએ એકમ કસોટી બાદ વિદ્યાર્થીઓની કસોટીનું સમયસર મૂલ્યાંકન થાય તેની તકેદારી રાખવાની રહેશે અને વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની વિગતો સમગ્ર વર્ષ દરમિયાન શાળાએ સાચવવાની રહેશે. પ્રથમ એકમ કસોટીમાં 27 જુલાઈના રોજ શાળાના પ્રથમ સેશનના અંતિમ કલાકમાં ધોરણ-9 અને 10માં વિજ્ઞાન, ધોરણ-11 અને 12 સા. પ્ર.માં અંગ્રેજી તથા સાયન્સમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા લેવાની રહેશે. જ્યારે શાળાના બીજા સેશનના શરૂઆતના કલાકમાં ધોરણ-9 અને 10માં સામાજિક વિજ્ઞાન, ધોરણ-11 અને 12 સા.પ્ર.માં મનોવિજ્ઞાન- વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેમજ સાયન્સમાં ગણિત-જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવાની રહેશે.
Back to top button