16 મે બેંગલુરુ: શનિવારે એટલે કે 18મીએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2024ની એક અત્યંત મહત્વપૂર્ણ મેચ RCB અને CSK વચ્ચે રમાવા જઈ રહી છે. બંને ટીમો માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી છે કારણકે જો આ મેચ તેઓ જીતશે તો જ તેનો પ્લેઓફ્સમાં પહોંચશે. પરંતુ શું આ મેચ શક્ય બનશે ખરી?
બેંગલુરુનું હવામાન કાયમ અત્યંત ગરમી વચ્ચે વરસાદ લાવી દે તેવું હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ જરા વધારે ગંભીર છે. હવામાન ખાતાની આગાહી અનુસાર 17 મે થી 21 મે સુધી એટલેકે આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરુમાં વરસાદ અને તોફાન થવાની આગાહી કરવામાં આવી છે. જો આવું થશે તો RCB અને CSK વચ્ચેની મેચ રદ્દ પણ થઇ શકે તેમ છે.
વરસાદને કારણે જો આખી મેચ જ રદ્દ કરવામાં આવે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ્સ આપી દેવામાં આવશે જે ચેન્નાઈને ફાયદો કરાવશે અને પ્લેઓફ્સમાં તેનું સ્થાન પાક્કું કરી દેશે જ્યારે બેંગલુરુ માટે તે આત્મઘાતી બની રહેશે.
હવામાનની આગાહી એવી છે કે શનિવારે બપોરે બેંગલુરુમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને મોટાભાગે આખો દિવસ સ્ટેડિયમ પર વાદળાં છવાયેલા રહેશે. સાંજના સમયે વરસાદની 74 ટકા સંભાવના છે. રાત્રે પણ વાદળાં છવાયેલાં રહેશે અને વરસાદ પડવાની સંભાવના લગભગ 62 ટકા રહેશે. બેંગલુરુ શહેરના કેટલાંક ભાગોમાં આંધી પણ અવી શકે તેમ છે.
આ બંને ટીમોના મોટાભાગના ક્રિકેટ ચાહકો કદાચ સમગ્ર મેચ ન ધોવાઇ જાય તેવી ઈચ્છા ધરાવતા હશે, પરંતુ જો મેચની વચ્ચે પણ વરસાદ આવ-જા કરે તો પણ ખેલાડીઓનું ધ્યાનભંગ થતું હોય છે. IPLના નિયમ અનુસાર ઓછામાં ઓછી 5 ઓવર્સ પ્રતિ ટીમની મેચ રમાડવી જરૂરી છે અને તેનો કટઓફ ટાઈમ ભારતીય સમય અનુસાર રાત્રે 10:56નો નક્કી કરવામાં આવ્યો છે.
થોડા દિવસ અગાઉ જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનો મુકાબલો પણ વરસાદની બલી ચડી ગયો હતો. એ દિવસે સાંજે સમગ્ર અમદાવાદમાં ધૂળની આંધી ચડી હતી અને છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. એ છૂટોછવાયો વરસાદ પણ વારંવાર વરસતાં છેવટે રાત્રે 11 વાગ્યે મેચ રદ્દ કરેલી જાહેર કરવામાં આવી હતી.
જો આ મેચ ધોવાઇ જશે તો ચેન્નાઈના 15 પોઈન્ટ્સ થશે અને બેંગલુરુના 13 પોઈન્ટ્સ. જો આમ થશે તો આજની ગુજરાત અને હૈદરાબાદની મેચનું ગમેતે પરિણામ આવે હૈદરાબાદ કોલકાતા, રાજસ્થાન અને ચેન્નાઈ સાથે ક્વોઈફાય થઇ જશે.