16 મે, અમદાવાદ: ક્રિકેટ પોતાના ઇતિહાસમાં ત્રણ વખત કલંકિત થયું હતું. પહેલી વાર જ્યારે હન્સી ક્રોનીયેનો મેચ ફિક્સિંગ કાંડ સામે આવ્યો હતો જેમાં ભારતીય ક્રિકેટરો પણ સામેલ હતા. બીજી વખત ત્યારે જ્યારે ઇંગ્લેન્ડમાં પાકિસ્તાની બોલર્સ અને કેપ્ટન સ્પોટ ફિક્સિંગ કરતાં ઝડપાયા હતા. ત્રીજી વાર 2013માં IPLમાં સ્પોટ ફિક્સિંગ બહાર આવ્યું હતું જેમાં ફક્ત ભારતીય ખેલાડીઓ અને ટીમ માલિકો જ સામેલ હતા.
રાજસ્થાન રોયલ્સના શાંતાકુમારન શ્રીસંત, અજિત ચંડીલા અને અંકિત ચવાણ દિલ્હી પોલીસ દ્વારા 2013માં આજના દિવસે જ પકડવામાં આવ્યા હતા. તેમના પકડાવાથી ક્રિકેટ વિશ્વમાં હલચલ મચી ગઈ હતી અને IPLમાં સ્પોટ ફિક્સિંગ શક્ય છે તેનો ખ્યાલ આવ્યો હતો.
સ્પોટ ફિક્સિંગ એટલે કોઈ એક બોલ કે કેચને પહેલેથી જ ફિક્સ કરી દેવો. બુકી કોઈ ખેલાડીને મેચની કોઈ એક ઓવરનો કોઈ એક ખાસ બોલ વાઈડ કે નો બોલ નાખવાની સૂચના આપે અને એ પ્રમાણે પેલો બોલર કરે તો તેને સ્પોટ ફિક્સિંગ કહેવામાં આવે છે. બુકી પેલા ખાસ બોલ પર અગાઉથી જ બોલી લગાવે છે અને તે સાચી પડતાં તેને અઢળક નાણાં મળે છે જેમાંથી અમુક હિસ્સો પેલા ખેલાડીને મળે છે.
શરૂઆતમાં એવું લાગતું હતું કે આ સ્પોટ ફિક્સિંગ ફક્ત આ ત્રણ ખેલાડીઓ સુધી જ મર્યાદિત છે. પરંતુ જેમ જેમ તેમની પૂછપરછ થઇ અને દિલ્હી પોલીસની તપાસ આગળ વધી, વધુને વધુ મોટા નામો બહાર આવવા લાગ્યા. આ નામોમાં ગુરુનાથ મયપ્પન, રાજ કુંદ્રા અને વિંદુ દારાસિંગ મહત્વના નામો હતા.
ગુરુનાથ એ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ અને ટીમના કર્તાહર્તા હતા, રાજ કુંદ્રા રાજસ્થાન રોયલ્સના માલિકોમાંથી એક હતા અને વિંદુ એ બુકીઓના સંપર્કમાં હતો જે આ પ્રકારનું ફિક્સિંગ કરતા હતા અને તેમનાથી નાણાંકીય લાભ મેળવતો હતો.
આમ સમગ્ર સ્પોટ ફિક્સિંગ કાંડે ભારતીય ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. તે સમયે એન શ્રીનિવાસન જ BCCIના પ્રમુખ હતા. પોતાના જમાઈ પર કલંક લાગતા તેમણે થોડો સમય પોતાનું પદ અન્યને સોંપી દીધું હતું. જ્યારે રાજ કુંદ્રાને રોયલ્સે પોતાના ભાગીદાર તરીકે હાંકી કાઢ્યા હતા.
મામલો સુપ્રિમ કોર્ટમાં જતા કોર્ટે નિવૃત્ત સુપ્રિમ કોર્ટ જજ લોઢાની અધ્યક્ષતામાં એક પંચ બનાવ્યું અને તેના રિપોર્ટમાં પંચે CSK અને RR બંનેને દોષિત ઠેરવ્યા અને આ ટીમોને 2014 અને 2015ની IPL સિઝન માટે બેન કરી દીધી હતી.