કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ફૂડવિશેષ

જામનગર : રાજ્ય કૃષિ મંત્રી જિલ્લાના પ્રવાસે, વિકાસ કામોની સમીક્ષા કરી

Text To Speech
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં રાઘવજીભાઈએ ઉપસ્થિત અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા.
લોકોને કોઈ પ્રકારે સમસ્યા ન પડે અને જનતાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવા કરી ટકોર
રાઘવજીભાઈએ સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોને કોઈ પ્રકારે સમસ્યા ન પડે અને નાનામાં નાના પ્રશ્નોનું પણ ધ્યાન રાખવામાં આવે તેમજ લોકઉપયોગી તમામ સુવિધાઓ પૂરી પાડવી. રાઘવજીભાઈએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે પોતાનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું.
રાઘવજીભાઈએ તમામ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું
આ બેઠકમાં રાઘવજીભાઈએ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, જેટકો, પાણી પુરવઠા વિભાગ, મહાનગર પાલિકા સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, નિવાસી અધિક કલેકટર મીતેશ પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પંડયા, પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા સંકલન સમિતીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જોડિયા એ.પી.એમ.સી ખાતે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી 
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા એ.પી.એમ.સીની મુલાકાત લઇ ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતુ કે, સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે સરકાર ખેડૂતોની જુદી જુદી વસ્તુના ટેકાના ભાવો નક્કી કરે છે.
પડતર કિમત પર ૫૦% નો વધારો કરીને ટેકાના ભાવો નક્કી કરવામાં આવે છે
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સુચના મુજબ પડતર કિમત પર ૫૦% નો વધારો કરીને ટેકાના ભાવો નક્કી કરવામાં આવે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યનું કૃષિવિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. સરકાર ખેડૂતોને ટેકાના ભાવ, વગર વ્યાજે લોન, અકસ્માતનો વીમો, સબસીડી આપે છે તેમજ પાકને નૂકસાન થાય ત્યારે પણ ઉદાર હાથે સહાય આપે છે. ખેડૂત સુખી થાય, સમૃધ્ધ થાય, આત્મનિર્ભર થાય તેવા ધ્યેય સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કૃષિ ખાતાઓ કામગીરી કરી રહ્યા છે.
રૂ.૧૪૫૫ પ્રતિ મણ લેખે ૧૭૩ ખેડૂતો દ્વારા મગના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે આ વર્ષે ૧૭૩ ખેડૂતો દ્વારા મગના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી છે.જેમા એક ખેડૂત પાસેથી રૂ.૧૪૫૫ પ્રતિ મણ લેખે ૧૨૫ મણ મગની ખરીદી કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઇ દલસાણીયા, તાલુકા પંચાયત કરોબારી સંગઠનના અધ્યક્ષ વલ્લભભાઇ ગોઠી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવણસંગભાઇ પરમાર, રસીકભાઇ ભંડેરી, જયસુખભાઇ પરમાર, ઘનશ્યામભાઇ રાઠોડ, રામુભાઇ મકવાણા, તાલુકા પંચાયતના સભ્યો, જુદા જુદા ગામના સરપંચ, ગ્રામ આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Back to top button