યુટ્યુબર અને ભાજપ નેતા મનીષ કશ્યપ નકલી વીડિયો કેસમાં નિર્દોષ, પુરાવાના અભાવે રાહત

- પટના સિવિલ કોર્ટે મનીષ કશ્યપ સહિત બે લોકોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા
- કશ્યપે તમિલનાડુમાં બિહારના કામદારો પર હુમલાનો કથિત વીડિયો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા શેર કર્યો હતો
- મનીષ કશ્યપ લગભગ નવ મહિના જેલમાં રહ્યા
પટના, 15 મે: યુટ્યુબર અને બીજેપી નેતા મનીષ કશ્યપને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. પુરાવાના અભાવે નકલી વીડિયો કેસમાં તેમને નિર્દોષ જાહેર કરાયા છે. તાજેતરમાં જ મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.પટના સિવિલ કોર્ટે મનીષ કશ્યપ સહિત બે લોકોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) એ નકલી વિડિયો અંગે કેસ નોંધ્યો હતો. તાજેતરમાં જ મનીષ કશ્યપ,મનોજ તિવારીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
વાસ્તવમાં, મનીષ કશ્યપે તમિલનાડુમાં બિહારના કામદારો પર હુમલાનો કથિત વીડિયો તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તમિલનાડુ પોલીસે તેમને ગેરમાર્ગે દોરનાર આરોપ હેઠળ તેમની સામે કેસ નોંધ્યો હતો. આ સિવાય બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) એ પણ આ જ મામલે મનીષ કશ્યપ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કર્યો હતો.
કશ્યપ લગભગ 9 મહિના જેલમાં રહ્યા
પોલીસે દરોડા પાડયા ત્યારે મનીષ કશ્યપ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જ્યારે પોલીસે મનીષના ઘરને અટેચ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. EOUની ટીમે કેસને પોતાની કસ્ટડીમાં લીધો, મનીષની પૂછપરછ કરી અને તેને જેલમાં મોકલી આપ્યો. તમિલનાડુ પોલીસની ટીમ પટના પહોંચી અને તેને 30 માર્ચ 2023ના રોજ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધા અને મનીષ કશ્યપને પોતાના સાથે લઈ ગઈ. તે પછી મનીષ કશ્યપ લગભગ નવ મહિના જેલમાં રહ્યા.
મનીષ કશ્યપ હાલમાં જ ભાજપમાં જોડાયા છે
પોતાને બિહારનો પુત્ર ગણાવતા મનીષ કશ્યપ 25 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. તેમને દિલ્હીમાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ પાર્ટીની સદસ્યતા આપી હતી. અગાઉ, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. આ માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા. જો કે હવે તેઓ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. વર્ષ 2020ની શરૂઆતમાં તેમણે બિહારની ચાણપટિયા વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી. આમાં તેમનો પરાજય થયો હતો.
આ પણ વાંચોઃ 370 હટાવ્યા બાદ બદલાયેલા કાશ્મીરને તેઓ પણ જોઈ રહ્યા છે: PoK વિવાદ પર જયશંકર