સ્વાતિ માલિવાલ સાથે મારપીટ થઈ હોવાનો AAPનો એકરાર
નવી દિલ્હી, 14 મે, 2024: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને સ્વાતિ માલિવાલ સાથે દુર્વ્યવહાર થયો હોવાની વાતનો AAPએ 30 કલાક કરતાં વધુ સમય બાદ સ્વીકાર કર્યો છે. રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મારપીટની ઘટનાની આમ આદમી પાર્ટીએ નોંધ લીધી છે અને કહ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે સવારે બનેલી ઘટના બાદ છેક મંગળવારે સાંજે પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સ્વાતિ માલિવાલ સાથે દુર્વ્યવહારની ઘટનાનો ઉલ્લેખ કરતા તેની ટીકા કરી હતી અને કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ બાબતથી વાકેફ છે અને તેઓ તેના પર કડક કાર્યવાહી કરશે.
સ્વાતિ માલિવાલ સાથે થયેલી મારપીટના સમાચાર અહીં વાચોઃ
કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યોઃ AAP સાંસદ સ્વાતિ માલિવાલનો આક્ષેપ
સંજય સિંહે કહ્યું- ગઈકાલે સોમવારે ખૂબ જ નિંદનીય ઘટના બની હતી. સ્વાતિ માલિવાલ ગઈકાલે સવારે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા પહોંચ્યા હતા. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલના પીએ વૈભવ કુમાર ત્યાં આવ્યા અને સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તણૂક કરી. સ્વાતિ માલિવાલે આ સમગ્ર મામલાની માહિતી પોલીસને આપી છે. અરવિંદ કેજરીવાલે સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તે પાર્ટીના જૂના અને વરિષ્ઠ નેતાઓમાંથી એક છે અમે બધા તેની સાથે છીએ.
આ મામલે બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ નિવેદન કર્યું છે. સિરસાએ કહ્યું કે સંજય સિંહે સ્વીકાર્યું કે સ્વાતિ માલિવાલજી પર અરવિંદ કેજરીવાલના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. 30 કલાક પછી પણ વૈભવ કુમાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે તે અરવિંદ કેજરીવાલનો વિશ્વાસુ છે અને તેની પાસે દારૂ કૌભાંડની તમામ માહિતી છે. આ કારણે કેજરીવાલમાં પગલાં લેવાની હિંમત નથી.
બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલ કાર્યવાહી કરશે તેવું આમ આદમી પાર્ટીનું નિવેદન છેતરપિંડી છે. તેમણે કહ્યું- સંજય સિંહે સ્વીકાર્યું કે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટ થઈ, કેજરીવાલે 31 કલાક સુધી મામલો દબાવી રાખ્યો. AAPનું નિવેદન કે કેજરીવાલ પગલાં લેશે તે પોતે જ છેતરપિંડી છે. કેજરીવાલ કોણ છે પગલાં લેવા? પોલીસ કાર્યવાહી કરશે. કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલ સ્વાતિને મારવા અને ગુનાને દબાવવા માટે દોષિત છે. 31 કલાક સુધી પોલીસને જાણ ન કરવા બદલ દોષી.